SBIએ FD પરના વ્યાજદર વધાર્યાઃ જાણો તમને કેટલું મળશે રિટર્ન
સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાએ FD પરના વ્યાજદરમાં 65 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આરબીઆઇએ તાજેતરમાં રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ SBIએ FD પર વ્યાજદર પણ વધાર્યા છે. એસબીઆઇની વેબસાઇટ મુજબ બેન્કે એફડી પર વ્યાજમાં 25થી લઇને 65 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. આ વધારો 2 કરોડ રૂપિયા સુધીની FD પર કરાયો છે. વધેલો રેટ 13 ડિસેમ્બર, 2022થી એટલે કે આજથી લાગુ થશે. આ પહેલા બેન્કે 22 ઓક્ટોબરના રોજ રિટેલ ટર્મ ડિપોઝિટ્સ પર વ્યાજ દર વધાર્યા હતા.
બેન્કે 211 દિવસથી એક વર્ષથી ઓછા સમયની ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ રેટ 5.50 ટકાથી વધારીને 5.75 ટકા કરી દીધા છે. આ પ્રકારે તેમાં 25 બેસિસ અંકનો વધારો કરાયો છે. આ પ્રકારે એક વર્ષથી લઇને 2 વર્ષ સુધીના સમય માટે જમા ડિપોઝીટ પર વ્યાજદર 6.10 ટકાથી વધારીને 6.75 ટકા કરાયો છે. તેમાં 75 બેસિસ અંકનો વધારો કરાયો છે.
બે વર્ષથી લઇને ત્રણ વર્ષથી ઓછા સમયની ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો છે. હવે તે 6.25 ટકાથી વધારીને 6.75 ટકા કરાયો છે. ત્રણ વર્ષથી વધુ અને પાંચ વર્ષથી ઓછા સમયની ડિપોઝિટ માટે 6.10 ટકાના બદલે 6.25 ટકા વ્યાજ મળશે. પાંચથી દસ વર્ષના સમયગાળા માટેની એફડી પર 6.10 ટકાથી વધારીને 6.25 ટકા વ્યાજદર કરાયો છે. આ ઇન્ટરેસ્ટ રેટ નવી ડિપોઝિટ અને મેચ્યોરિંગ એકાઉન્ટ્સના રિન્યુઅલ પર લાગુ થશે.
સિનિયર સિટિઝન ઇન્ટરેસ્ટ રેટ
સિનિયર સિટિઝન માટે વ્યાજ દર થોડા વધુ હોય છે. સાત દિવસથી લઇને 10 વર્ષ સુધીના સમય ગાળા માટેની એફ જી પર બેન્ક 3.25થી લઇને 7.25 ટકા વ્યાજ ચુકવે છે. બેન્કમાં SBI Wecare ડિપોઝીટ સ્કીમને પણ 31 માર્ચ, 2023 સુધી વધારી દેવાઇ છે.