ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
જીઈબીમાંથી આવું છું કહી વૃદ્ધાને લૂંટી લીધી, પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
જામનગરમાં એસટી રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં એકલા રહેતા વૃદ્ધાને ધોળે દિવસે જીઈબીમાંથી આવું છું તેમ કહી ઘરમાં ઘુસી આવેલા શખ્સે લૂંટી લીધા હતા. બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
મીટર જોવાના બહાને ઘરમાં ઘુસ્યો, છરી બતાવી દાગીના કઢાવી લઈ ફરાર થયો
મળતી માહિતી મુજબ, જામનગરના એસટી ડેપો રોડ પર આવેલા હિમાલય એપાર્ટમેન્ટમાં વિજ્યાલક્ષ્મીબેન પિલ્લઈ છેલ્લા વર્ષથી વસવાટ કરે છે. તેમના પતિના નિધન બાદ હાલ તેઓ એકલા જ રહે છે. ગુરુવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં વિજ્યાલક્ષ્મીબેન ઘરકામ કરી રહ્યા હતા ત્યારે જ એક અજાણ્યો શખ્સ વીજ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી ઘરમાં પ્રવેશ્યો હતો. વીજ મીટરમાં દેખાતું ન હોવાનું કહી મયુર નામના શખ્સે ઘરનો દરવાજો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાને છરી બતાવી પહેરેલા દાગીના ઉતરાવી લીધા હતા. દાગીનાઓ એકઠા કરી વૃદ્ધાને ઘરમાં પૂરી આરોપી ફરાર થઈ ગયો હતો.
વૃદ્ધાએ દેકારો કરતા પાડોશીઓ દોડી આવ્યા, પોલીસને જાણ કરાઈ
ધોળે દિવસે આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાના કારણે આસપાસમાં રહેતા પડોશીઓને ખબર પણ પડી ન હતી. રૂમમાં પૂરી દેવાયેલા વૃદ્ધાએ જ્યારે બૂમો પાડી ત્યારે પાડોશમાંથી લોકો આવ્યા હતા અને દરવાજો ખોલ્યો હતો. ભોગ બનનાર વૃદ્ધા દ્વારા લૂંટ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે આસપાસના અને રસ્તા પરના સીસીટીવી ચેક કરી આરોપીનું પગેરું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
શંકાના આધારે એક શખ્સની તલાશી લેતા લૂંટનો મુદ્દામાલ મળ્યો
આ બનાવમાં એલસીબીએ ઝંપલાવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન એક શખ્સને સ્ટાફે ચાંદી બજારમાં શંકાના આધારે અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી વૃદ્ધાના લૂંટમાં ગયેલા દાગીના મળી આવતા પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મયુર નરભેરામ કંથારાઈ હોવાનું જણાવ્યું હતું.
આરોપી લૂંટારો ભોગ બનેલા વૃદ્ધાનો પાડોશી નીકળ્યો
એલસીબીએ વધુ પૂછપરછ કરતા તે શખ્સ વૃદ્ધાના એપાર્ટમેન્ટમાં જ તેની ઉપરના માળે રહેતો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.