

બિહારના સિવાન જિલ્લામાં બાબા મહેન્દ્રનાથ શિવ મંદિરમાં નાસભાગમાં બે મહિલાઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાગદોડમાં બે મહિલાના મોત
સિસવનના પ્રખંડ પ્રખ્યાત મંદિર બાબા મહેન્દ્રનાથ ધામમાં જલાભિષેક દરમિયાન આ ઘટના બની હતી. મંદિરમાં કોરોના પીરિયડ પછી પહેલીવાર સોમવારે વહેલી સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી. દરમિયાન શિવલિંગ પર જલાભિષેક કરવા માટે ધક્કામુક્કી થઈ હતી અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ હતી.
બે મહિલાઓને ગંભીર ઈજા
મળતી માહિતી મુજબ ભક્તોની આ ભીડમાં કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ અને તેમને ઉઠવાનો મોકો પણ ન મળ્યો. બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના બાદ પહેલીવાર ખુલ્યા હતા ભગવાનના દ્વાર
કોરોનાના સમયમાં મંદિર ભક્તો માટે ખુલ્લું નહોતું. બે વર્ષ બાદ મંદિરમાં જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી જે દરમિયાન દુર્ઘટના ઘટી હતી. લોકોએ આ અંગે વહીવટીતંત્ર પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે.