સનાતન ધર્મ બચાવવા સંતો મેદાનેઃ હિન્દુઓ એક થાય તો કોઈ મહાસત્તા સામે ના આવેઃ મુક્તાનંદ બાપુ
રાજકોટ, 11 જૂન 2024, ત્રાંબા ગામ ખાતે સનાતન ધર્મ બચાવવા માટે સંતો મેદાનમાં ઉતર્યા છે. સનાતન ધર્મની રક્ષા માટે સંત સગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યું છે.સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીય આ સંત સંમેલનમાં દેશભરના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, કચ્છથી કૈલાશગિરિ મહરાજ, કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કનીરામ બાપુ, દિલીપદાસજી મહારાજ, નિર્મળાબા પાળીયાદ, કરસનદાસ બાપુ, લલિત કિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત છે. ચાપરડાના મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, દેશમાં 100 કરોડ ઉપર હિન્દુ પ્રજા છે. જો તેઓ એક થાય તો વિશ્વની કોઈ મહાસત્તા સામે ન આવે.
આ સંમેલન ધર્મની સેવા માટેનું છેઃ મોરારિબાપુ
મોરારિ બાપુ મોરારિ બાપુએ જણાવ્યું કે, અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે તેનો નાશ કોઈ નહીં કરી શકે. ભાઈશ્રી રમેશ ઓઝાએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગંગાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી તેનાથી શું? તેનુ રક્ષણ થવું જોઈએ.સૌ પ્રથમ પોતે પોતાના ધર્મ, કર્તવ્યનુ પાલન કરવું જોઈએ. ધર્મ નબળો નથી, ધર્મની રક્ષા થકી આપણી રક્ષા સંભવ છે, ક્યાંક સનાતનને હાનિ પહોંચે છે તે હકીકત છે. સાધુનું કામ બ્રેઈન વોશનું નહીં, હાર્ટ વોશનું છે.
શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથીઃ એસપી સ્વામી
ચૈતન્ય સંભુ મહારાજે કહ્યું હતું કે, સનાતન ધર્મ આદિ અનાદી છે. ધર્માંતરણનો વિરોધ કરું છું. વૈષ્ણોદેવીમાં આતંકવાદી હુમલાની નિંદા કરું છું.જગન્નાથ મંદિરથી દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ધર્મની પરંપરા પ્રમાણે એકતા અને સંગઠન મજબૂત બંને તે જરૂરી છે.ગઢડાના એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે રાજાઓ સાથે વિમર્શ થતાં. લોકશાહી આવ્યા પછી સાધુ સંતોની વાત સાંભળવા કોઈપણ રાજકીય પક્ષ તૈયાર નથી. અમે પણ સનાતનનો ભાગ છીએ. સનાતનને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને આદેશ કર્યો છે કે, કોઇ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. દેવી દેવતાઓ વિશે લખવામાં આવ્યુ હોય તે વાંચવું જોઇએ નહીં. શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથી.
હિંદુ સમાજના દેવતાઓ વિશે કોઇ ટિપ્પણી કરશે તો કાયદાકિય પગલાં લેવાશેઃ મુક્તાનંદ બાપુ
ચાપરડાના મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, દેશમાં 100 કરોડ ઉપર હિન્દુ પ્રજા છે. જો તેઓ એક થાય તો વિશ્વની કોઈ મહાસત્તા સામે ન આવે. કોમવાદ કરવા નથી માગતા. હિંદુ સમાજના દેવતાઓ વિશે કોઇ ટિપ્પણી કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આપણે આપણી પરંપરા ભૂલી ગયા છીએ. નેતૃત્વનો સ્વીકાર કરવો આવશ્યક છે. રાષ્ટ્રીય સમસ્યાને પ્રાધાન્ય આપવું જોઇએ. આ મંડળ એ દંગલ માટે નથી. સનાતન ધર્મ સામેના વાણી વિલાસ રોકવા માટેનું આ એક સંગઠન છે. અમે ગામે ગામે યજ્ઞ કરી લોકોને આ સંગઠનમાં જોડીશું. સંતો દ્વારે દ્વારે જઈ સમાજ ઉપયોગી કામગરી કરશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં સ્વામિનારાયણ કાર્યકરોનો યોજાયો અભિવાદન સમારોહ