સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રાઈડ્સ વગર યોજાશે! જાણો કેમ ?
રાજકોટ, 23 ઓગસ્ટ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ આવનારા જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા મેળાઓમાં મોટી રાઈડ્સ મામલે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ SOPને લઈને રાજકોટ લોકમેળામાં રાઈડ્સ લગાવવા ઈચ્છુક સંચાલકોએ SOPમાં આંશિક રાહત મળે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે પ્રથમ સુનાવણીમાં કોર્ટે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ બાંધછોડ કરવા સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રાઈડ્સ વગર જ યોજાઈ તેવી શક્યતા છે.
હવે પછીની સુનાવણી 27મીએ થશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આકરા વલણના લીધે આ વખતે જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. ત્યારે આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ કરવા ઇચ્છતું ન હોવાથી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. તેવામાં આ SOP સંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો SOPમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચતા જિલ્લા કલેક્ટર પણ એકશનમાં આવ્યા હતા અને તેઓએ પણ તંત્રને દોડતું કરી જ્યાં સુધી હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઈડ્સનું કામ અટકાવી દીધું હતું. દરમિયાન આ અંગે આજે પ્રથમ સુનાવણી થઇ હતી જેમાં કોર્ટે કોઈપણ છૂટછાટ આપવાની મનાઈ કરી દીધી હતી. જે અંગે વધુ સુનાવણી આગામી 27મીએ થવાની છે.
રાજકોટમાં SOPનો થઈ રહ્યો છે વિરોધ
જાણવા મળ્યા મુજબ રાજકોટના લોકમેળામાં સંચાલકો SOPનો વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારની SOP મુજબ કોઈપણ યાંત્રિક રાઈડ્સ શરૂ કરતાં પહેલાં તેના સ્ટ્રક્ચરને પાકું કરવાની સૂચના આપવામાં આવી છે. તેનું ફાઉન્ડેશન ભરી તેના પાયા મજબૂત કરવાના આદેશ કરાયા છે. જેના કારણે યાંત્રિક રાઈડ્સના સંચાલકો આ SOPનો વિરોધ કરી રહ્યા છે.
હરરાજીમાં સંચાલકો જોડાયા ન હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે લોકમેળા માટે યાંત્રિક પ્લોટની હરરાજી કરવામાં આવતી હતી ત્યારે આ SOPના નિયમો હળવા કરવાની માંગ સાથે રાઈડ્સના સંચાલકો હરરાજીમાં જોડાયા ન હતા. ત્રણેક વખતના પ્રયાસ બાદ તમામ પ્લોટ એક જ સંચાલક દ્વારા રૂ.1.27 કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હતા.