સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કાલે પણ ચાલુ, કલેકટરે એક દિવસ વધાર્યો
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં એક દિવસ વધારવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ ગઇકાલે મોડી સાંજે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. માનવ મેદની અને રજાના માહોલને જોતા તેઓએ આ નિર્ણય લીધો છે. જેના કારણે મેળામાં આવનાર લોકો તેમજ મેળામાં રાઇડ્સ અને સ્ટોલ લગાવનાર વેપારીઓમાં ખુશી છવાઈ ગઈ છે.
ચાર દિવસમાં 10 લાખથી વધુ જનમેદનીએ મેળો માણ્યો
મહત્વનું છે કે જન્માષ્ટમી પર્વ ઉપર રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજવામાં આવે છે. જેમાં રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ માનવ મહેરામણ ઉમટી પડે છે. આ અંગે જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર તરફથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર ચાર દિવસમાં આ લોકમેળામાં 10 લાખ લોકો આવ્યા છે. જેને કારણે ત્યાંના વેપારીઓ અને ધંધાદારીઓને કરોડો રૂપિયાની આવક થવા પામી છે.
કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાયો લોકમેળો
મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના લીધે રાજ્ય સરકારે મેળા માટે મંજૂરી આપી ન હતી પરિણામે અનેક લોકોના ધંધા રોજગાર કે જેઓ માત્ર મેળા ઉપર નભતા હતા તેઓની આર્થિક સ્થિતી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અમુક ધંધાદારીઓએ તો જીવન ટુંકાવ્યું ત્યાં સુધીના સમાચારો આવ્યા હતા. ત્યારે આ વખતે કોરોના હળવો પડતા જ સરકારે મેળા માટે મંજૂરી આપી દીધી હતી. જેના કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17ઓગસ્ટથી પાંચ દિવસ માટે મેળો કરવાની જાહેરાત કરી હતી. જેમાં માનવ મેદનીને જોતા એક દિવસનો વધારો કરાયો છે.