સૌરાષ્ટ્ર યુનિ.પેપરલીક કાંડ : H.N.શુક્લા કોલેજના પ્રમુખ આકરાપાણીએ, જાણો શું આરોપ લગાવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક કાંડ બાદ ગઈકાલે બુધવારે ગાંધીગ્રામ પોલીસ મથકે શહેરની જાણીતી અને પૂર્વ સિન્ડિકેટ મેમ્બર તથા હાલના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ડો.નેહલ શુક્લાની એચ.એન.શુક્લા કોલેજના પેપર રીસીવર જીગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ નેહલ શુક્લાએ વળતો પ્રહાર કરતા યુનિવર્સિટી સામે કેટલાક સણસણતા આરોપ લગાવ્યા બાદ કાયદાકીય પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
આ બધો જ પૈસાનો ખેલ, આખી સિસ્ટમ લકવાગ્રસ્ત
આ મામલે આજે નેહલ શુક્લાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ આખી સિસ્ટમને લકવાગ્રસ્ત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બધો જ પૈસાનો ખેલ છે. પેપરલીક થયું તેના 24 કલાક પહેલા પેપર કોલેજોને આપવામાં આવ્યા હતાં.
યુનિ.ના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષા નથી લેવાઈ
વધુમાં તેણે કહ્યું હતું કે, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએU સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી દીધી છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગિરીશ ભીમાણીએ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી અને હવે ત્રણ પરીક્ષાઓ લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી.
રજીસ્ટ્રાર અને યુનિવર્સિટી સામે દાવો માંડશે
વધુમાં નેહલ શુક્લાએ આરોપ મુક્યા બાદ આ મામલે તેઓ કાયદાકીય રીતે આગળ વધશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરશે.
શું હતો આખો મામલો ?
આ સમગ્ર પ્રકરણની જો વાત કરવામાં આવે તો અગાઉ ગત વર્ષના અંતમાં સૌરાષ્ટ્ર યુનિ.ની બીકોમ અને બીબીએની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બંને વિભાગના સેમસ્ટર 5 ના એક-એક પેપર ફૂટ્યા હતા. જે બાદ આ અંગે તપાસની ફેંકાફેંકી કરવામાં આવતી હતી પરંતુ આખરે ગઈકાલે રાત્રે સમગ્ર પ્રકરણમાં શુક્લા કોલેજના પેપર રીસીવર ઉપર જવાબદારી ઢોળી દઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.