એજ્યુકેશનગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી
સૌરાષ્ટ્ર યુનિ. બની હાઈટેક : દેશના કોઈપણ ખુણેથી પરીક્ષા આપતા સ્ટુડન્ટસ જોઈ શકાશે
સૌરાષ્ટ્ર યુનિ. ટેકનોલોજીના આ યુગમાં વધુ હાઈટેક બની છે. જેમાં યુનિવર્સિટીની પરીક્ષાને પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી છે.
ગેરરીતિ થતી જણાશે તો તેમના કોલેજનું જોડાણ રદ કરવા સુધીની સખત કાર્યવાહી
આ અંગે આજે કુલપતિ ડો.ભીમાણીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પરીક્ષા પારદર્શી બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર દરેક પરીક્ષા કેન્દ્રના CCTVનું જોડાણ આપવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણેથી વેબસાઇટ પર આવી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા લાઇવ નિહાળી શકશે. આ દરમિયાન કોઈ પણ કોલેજ કેન્દ્ર ખાતે ગેરરીતિ થતી જણાશે તો તેમના કોલેજનું જોડાણ રદ કરવા સુધીની સખત કાર્યવાહી કરવામાં આવશે.
પેપર લીકના બનાવો ટાળવા પ્રશ્નપત્રમાં કોલેજનો QR કોડ મુકાશે
વધુમાં ડો.ભીમાણીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ઘેરામાં રહેતી હતી અને ખાસ કરી પરીક્ષામાં ગેરરીતિની અનેક ઘટના સામે આવી હતી. ત્યારે આગામી સમયમાં વધુ એક નિર્ણય કરવામાં આવશે. જેમાં 19 તારીખથી શરૂ થતી પરીક્ષામાં પણ પારદર્શિતા માટે સુવિધા મુકવામાં આવશે. આ પરીક્ષામાં જે-તે પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્રના ઓફિશિયલ મેઇલ એડ્રેસ પણ અડધો કલાક પૂર્વે પ્રશ્નપત્ર મેઇલથી મોકલવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં કોલેજનું QR કોડ મુકવામાં આવશે. જેના થકી કોઈ પ્રશ્નપત્ર લીક થાય અથવા કોઈ અન્ય ગેરરીતિ જણાશે તો તત્કાલિક QR કોડ સ્કેન કરી કેન્દ્ર જાણી શકાશે અને જે-તે કોલેજ કેન્દ્રનું જોડાણ રદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.