ગુજરાત

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : વાંચો કાર્યક્રમને લગતી તમામ મહત્વની વિગતો

ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ઉપર વિદેશી આક્રમણખોર મોહમ્મદ ગજનીએ 1024 ની સાલમાં આક્રમણ કર્યું તે સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ વેરાવળ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સામૂહિક સ્વરૂપે વિશાળ સંખ્યામાં ત્યાં વસતા સૌરાષ્ટ્રવાસી સમુદાયે દરિયાઈ માર્ગે હિજરત કરી. વિશ્વના ઇતિહાસની અંદર આ એક મોટામાં મોટી હિજરત હતી અને સૌરાષ્ટ્રવાસી સમુદાય તે સમયે ઉત્કૃષ્ટ વણાટ કામ માટે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત હતો. સાથો સાથ વૈદિક સંસ્કૃતિને સંપૂર્ણ પ્રતિબદ્ધ એવા આ સમાજે પોતાની સંસ્કૃતિને બચાવવા માટે દરિયાઈ માર્ગે હિજરત કરી અને ખંભાત બંદર અને ત્યાંથી ભરૂચ અને ભરૂચ પછી સુરત તેમજ ત્યાર પછી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર થી વિજયનગર સામ્રાજ્ય નાં આમંત્રણ થી વિજયનગર માં આશરો લીધો.થોડી સદીઓ સુધી વિજયનગર સામ્રાજ્યમાં આશરો લીધા પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થતા આ સમુદાય પાસે જેમ આપણે જાણીએ છીએ તેમ સાડી વણાટ કામ તેમજ અન્ય હસ્તકલાઓમાં ખૂબ જ કૌશલ્ય પ્રાપ્ત હતી. આ સમુદાયને મદુરાઈના તત્કાલીન રાજવંશ મહારાજાએ તેઓની આ કલાને પીછાણી અને તેઓને ખાસ આશરો આપી રાજ્યાશ્રય આપ્યો અને આમ 1500ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી છે.

તામિલનાડુમાં રહી સૌરાષ્ટ્રવાસીઓની પરંપરા તથા વારસાને અકબંધ રાખી

ઉલ્લેખનીય છે કે લગભગ 1000 કરતા વધારે વર્ષના લાંબા ગાળા છતાં આજે તમિલનાડુ રાજ્યમાં મદુરાઈ, કુમ્બકોનામ, ત્રીચીનાપલ્લી, સાલેમ, તન્જાવૂર્ સહિત 46 થી વધારે શહેરોમાં તેમજ અંતરિયા ગામડાઓમાં વસવાટ કરતા 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા વારસાને અકબંધ રાખી તમિલનાડુના જન જીવનમાં સંપૂર્ણપણે ઉત્પ્રોત થઈ અને વિકાસની પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહેલ છે

કાર્યક્રમનો વિચારબીજ

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય સાથે જોડવાનો પ્રયત્ન વર્ષોથી થતો હતો પરંતુ 2005 અને 2006ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ તેમજ ઉપકુલપતિ તેમ જ અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી આ સમુદાય સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા અર્થે પ્રેરિત કર્યા અને આમ વિધિવત રીતે આ સૌરાષ્ટ્રવાસી સમુદાય ગુજરાત સાથે 1000 વર્ષના ગાળા પછી ફરીથી જોડાયો અને ગુજરાત રાજ્ય અને તામિલનાડુના આ સૌરાષ્ટ્રવાસી સમુદાય વચ્ચે અનેકવિધ અનેક ક્ષેત્રે આદાન-પ્રદાનના ખૂબ જ સરસ મજાના કાર્યક્રમો ચાલે છે.

2010ની સાલની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર  મોદી સાહેબની ઉપસ્થિતિમાં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમ નું આયોજન થયું અને તેમાં 50000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારબાદ પણ વખતોવખત આ સમુદાયને મુલાકાતો આપી અને ગુજરાત સાથે આદાન-પ્રદાનની પ્રવૃત્તિ અર્થે સતત પ્રેરણા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના અત્યંત ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતા સંકલ્પના ને સાકાર કરતા એક શ્રેષ્ઠતમ કાર્યક્રમની સંકલ્પના કરી.

કાર્યક્રમનું આયોજન

તમિલનાડુના સૌરાષ્ટ્રવાસી સમુદાયને જ્યારે આ કાર્યક્રમની જાણ થઈ અને ચેન્નાઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી ડો. એલ મુરુગન તથા આપણા ગુજરાત ના મંત્રી કુંવરજી બાવળીયા અને જગદીશ વિશ્વકર્મા એ જ્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમ ની ઘોષણા કરી ત્યારે પણ તમિલનાડુના ખૂણે ખૂણેથી સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યાર પછી પણ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસી સમુદાયમાં આનંદ અને હરખની હેલી સૌને જોવા મળે છે

સંગમમની જાહેરાત 19 માર્ચે ચેન્નાઇથી થઇ હતી, જ્યાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો લોગો, થીમ સોન્ગ અને વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓફિશિયલ વેબસાઇટ લોન્ચના માત્ર 24 જ કલાકમાં લગભગ 10 હજાર કરતાં વધુ લોકોએ વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્ ગીત જે ગુજરાતી, હિન્દી અને તમિલ ભાષામાં સુપ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે દ્વારા ગવાયું છે તે પણ સોશિયલ મિડિયા ઉપર ખુબ વાઇરલ થઇ રહ્યું છે.

15 દિવસના આ પ્રવાસમાં યજમાન ગુજરાત, વેબસાઇટ પર રજીસ્ટ્રેશનમાં સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે અહીં લાવશે, ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), જેવા સ્થળોની મુલાકાત પર લઇ જશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ રહેશે જ્યાં 15 દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધીત કાર્યક્રમોના આયોજન થવા જઇ રહ્યા છે.

તા. 17 એપ્રિલ 2023ના રોજ સૌરાષ્ટ્રમાં થવા જઇ રહેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ પર્વનું સ્વાગત કરતી પ્રેસ કોન્ફરન્સ 21માર્ચે ગાંધીનગર ખાતે યોજાઇ ગઇ, જેમાં મંત્રી ઋષીકેશ પટેલ, મુળુભાઈ બેરા અને જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ-humdekhengenews

રાજ્યના મંત્રી મંડળનું  ડેલિગેશન તલિમનાડુની મુલાકાતે

આ ઉપરાંત ગુજરાતની આગવી પરંપરા મુજબ ગત 25 મી માર્ચ અને 26 માર્ચ દરમિયાન આ સમુદાયને પ્રેમપૂર્વક સૌરાષ્ટ્ર તામિલ સંગમ માટે નિમંત્રિત કરવા માટે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સાથે રાજ્યના મંત્રી મંડળનું એક ડેલિગેશન, આવ્યું હતુ જેમાં કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડીંડોર, જગદીશ વિશ્વકર્મા તથા પ્રફુલભાઇ તામિલનાડુ ના વિવિધ જિલ્લા જેમ કે મદુરાઈ, ડિંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુમ્બકોણમ, તંજાવુર, તિરુનેલવેલી અને ત્રિચી ગયા હતા. આ સાથે ગુજરાત વિધાનસભા માં પણ આ ઐતિહાસિક કાર્યક્રમ સંદર્ભે રાજ્યસકાર દ્વારા કરાયેલ આયોજન અંગે નિવેદન કરવામાં આવ્યું તથા સરકારના મંત્રીઓ દ્વારા તેમની તામિલનાડુ મુલાકાત અંગેના લાગણી સભર અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું.

કાર્યક્રમની આગામી રૂપરેખા

કલા, સંસ્કૃતિ, વાણિજ્ય-ઉદ્યોગ, યુવા અને શિક્ષણ આ સંગમ ના મુખ્ય આધાર બિંદુઓ છે

જેમાં કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્ર્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત/ લોક સંગીત હસ્તકલા

સંસ્કૃતિ અંતર્ગત શિલ્પ સ્થાપત્ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ

વાણિજ્ય-ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, Exhibition

યુવા અંતર્ગત રમતગમત, સંવાદ

મૂળ સૌરાષ્ટ્રવાસી સમુદાયના લોકો સોમનાથ ખાતે એકત્ર થશે 

શિક્ષણ અંતગર્ત શેક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષા ના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલું છે. પંદર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવની સફળતા અત્યારથી દેખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે. લગભગ 1200 વર્ષના સમયગાળા પછી વિશાળ સ્વરૂપે તામિલનાડુમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાના મૂળ વતન પોતાના, પોતાની મૂળ જન્મભૂમિ, માતૃભૂમિ એવા સોમનાથ ખાતે એકત્ર થશે આ એક ખૂબ જ ઐતિહાસિક મહત્વપૂર્ણ ઘટના છે .

કાર્યક્રમમાં આ મહેમાનો રહેશે ઉપસ્થિત

પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલોનું શ્રેષ્ઠ પ્રદાન છે તેમને ખાસ ગુજરાત આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં 2005 માં જેમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તેવા વિશ્વવિખ્યાત ગેસ્ટ્રોએન્ડ્રોલોજીસ્ ચંદ્રશેખરજી, હ્યુસ્ટન સ્થિત રાધા પરશુરામનજી, 7 જેટલા આઈએએસ, 5 જેટલા હાઇકોર્ટના અધિકારીઓ અને સંસદના પી.આર.ઓ. ગણેશ ગુજરાત આવનાર છે. આ સાથે જ તમિલનાડુના નવ સ્થાનો પર થયેલા રોડ શો અને મીટીંગ કાર્યક્રમો દરમિયાન 12 ડિસ્ટ્રિક્ટ જજની કેડરના અધિકારીઓ ગુજરાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રવાસી તમિલોને જાણે ગર્ભનાળ સાથે જોડવાનો અનેરો ઉત્સવ આગામી 17 એપ્રિલ સોમનાથ ખાતેથી પ્રારંભ થશે.

કાર્યક્રમ અંતર્ગત રસપ્રદ વિગતો

ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી સમુદાયના સંદર્ભમાં એક બાબત મને ખાસ ઉલ્લેખનીય લાગે છે કે લગભગ 1100 1200 વર્ષના ગાળા એટલે કે આ એક ગાળો નાનો સુનો ગાળો નથી ખૂબ જ મોટો ગાળો છે ત્યારે પણ સૌરાષ્ટ્રની ઓળખ કેવી રીતે આ સમુદાય જાળવી તેની જો હું વિગત રજૂ કરું તો ખ્યાલ આવે છે કે વાસ્તવમાં જે સૌરાષ્ટ્રની આપણી ભાષા છે બોલી છે અને કેટલીક પરંપરાઓ છે તે આ સમુદાયે જાળવી રાખી છે.

વર્ષોથી તલિમનાડુમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ

તમિલનાડુના જનજીવનમાં ભળી ગયેલ છે પરંતુ તેઓએ સૌરાષ્ટ્રવાસી તરીકેની પોતાની ઓળખ કાયમ રાખી છે અનેક મકાનો આજે પણ સૌરાષ્ટ્રમાં જે રીતે ઓસરી અને ત્યાર પછી ઓરડા જોવા મળે છે આ જ પ્રકારના મકાનો તમને મદુરાઈમાં જોવા મળે આમ આ સમુદાયે આટલી મોટી સંખ્યામાં હિજરત કર્યા પછી 1000 વર્ષ કરતાં વધારે સમયનો ગાળો હોવા છતાં આ સમુદાયે પોતાની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ સૌરાષ્ટ્રના રીતી રિવાજ, સૌરાષ્ટ્રની લગ્ન પદ્ધતિ, સૌરાષ્ટ્રની ભજન પદ્ધતિ, સૌરાષ્ટ્રની યજ્ઞ તેમજ હોમાત્મક પદ્ધતિઓ, યજ્ઞ પવિત્ર આપણી સંસ્કૃતિ વારસાની પ્રવૃત્તિઓ સહિત સૌરાષ્ટ્રની આગવી પરંપરા આ સમુદાયે બખૂબી જાળવી રાખી છે આ એક વિશ્વની એક વિલક્ષણ અને વિશિષ્ટ ઘટના છે.

સૌરાષ્ટ્ર સાથે જોડાયેલ પરંપરાઓ

હમણાં જ ચૈત્રી નવરાત્રી પુરી થઇ છે ત્યારે એ વાતનો ઉલ્લેખ કરવાની ઈચ્છા થાય છે કે જેવી રીતે આપણા ગુજરાતની અંદર નવરાત્રી ઉત્સવ ઉજવાય છે તે જ પ્રકારે સૌરાષ્ટ્રવાસી સમુદાય ત્યાં પૂર્ણ રીતે નવરાત્રી ઉત્સવ ઉજવે છે.જ્યારે કોઈ કન્યા કે પુત્ર ની સગાઈની વિધિમાં જેવી રીતે ગોળ ધાણા ખાઈ અને બોલ બોલીએ છીએ તેવી જ રીતે સૌરાષ્ટ્રવાસી સમુદાય તામિલનાડુમાં બોલા એટલે કે એકવાર બોલ બોલી લીધા તે પ્રકારે સગાઈની જાહેરાત કરે છે આ એક કેટલી રસપ્રદ અને વિરલ એવી ઘટના છે પરંપરાએ આ સમુદાયને સૌરાષ્ટ્ર સાથે જોડી રાખ્યો છે.

આ પણ વાંચો : ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણી 6થી 14 એપ્રિલ સુધી કરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Back to top button