સફારી પાર્કમાં ગીરના વિહરતા સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા સૌરાષ્ટ્ર-તમિલ બાંધવો
સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી હિજરત પામેલા આપણા જ બંધુઓને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી તેમને પુનઃ પોતાના વતન સાથે જોડાવાનો અવસર મળ્યો છે. ત્યારે આજે સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને દેવળીયા સફારી પાર્ક ખાતે પ્રકૃતિના ખોળે વિહરતા સિંહોને નજીકથી નિહાળવાનો સૌરાષ્ટ્રીયન-તમિલ ભગિની બંધુઓએ એક અલગ જ રોમાંચ અનુભવ્યો હતો.
આ પણ વાંચો : બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, ત્રણ ડબ્બા બળીને ખાખ
સોમનાથથી દેવળીયા સફારી પાર્ક પહોંચેલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ બસના માધ્યમથી 4*4 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલ આ સફારી પાર્કનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાની રોમાંચ અનુભવવાની સાથે પક્ષીઓના મીઠા કલરવને સાંભળી કાયમ માટે એક યાદગીરીના સંભારણાનું ભાથું બાંધ્યું હતું. આ પ્રવાસ દરમિયાન 16 જેટલા ગાઈડ ભાઈઓ-બહેનોએ એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.