નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે : સીએમનો મહત્વનો નિર્ણય


સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
115 જળાશયો ભરીને સિંચાઇ સુવિધા સુદ્રઢ કરાશે
વધુમાં મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.
ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને લેવાયો નિર્ણય
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
1,52,400 ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરાશે
તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-1, 2, 3 અને 4 મારફત પથરેખામાં આવતાં તળાવ, ચેકડેમ, જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણયથી 1,52,400 લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.