ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ MLA રિવાબા સહિત સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ શરૂ કર્યા રાહત રસોડા
- બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત ક્ષેત્રો માટે તૈયાર કરાશે ફૂડ પેકેટ
- સ્થળાંતરીત લોકો માટે ભોજન અને નાસ્તો બનાવવાની કામગીરી શરૂ
- સેવાકીય સંસ્થાઓ પણ નેતાઓ સાથે જોડાઈ
હાલાર અને બરડા પંથક સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. જો કદાચ તેની વધુ અસર ન થાય તો પણ માલઢોરને તો નુકસાન પહોંચવાનું નક્કી છે. ત્યારે આ વાવાઝોડાથી લોકોને કોઈ હાલાકી ન પહોંચે તે માટે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ જે લોકો પહોંચી ન શકતા હોય તેને ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ આ સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવા રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે તેમના માટે નેતાઓ આગળ આવ્યા છે અને તેમના માટે રાહત રસોડા શરૂ કર્યા છે. સૌરાષ્ટ્રમાં આ સેવા ભાવના સૌથી વધુ જોવા મળી રહી છે.
રિવાબા જાડેજા 10 હજાર ફૂડ પેકેટ બનાવશે
આજથી લઈને તા.16 સુી સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સંભવિત ચક્રવાત ‘બિપરજોય’ ના ઘેરા વાદળો છવાયા છે. ત્યારે જામનગરમાં 10 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા આ ચક્રવાતની સ્થિતિમાં પહોંચી વળવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે જામનગર-78ના યુવા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા પણ આ સંભવિત વાવાઝોડાના પડકારને ઝીલીને સાવચેતી અને આગમ તેયારીના રૂપમાં દિવસ અને રાત દોડી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી સેવાની સંસ્કૃતિ પ્રમાણે ધારાસભ્ય રિવાબા તેમજ તેમની ટીમ દિવસ-રાત કાર્યરત રહીને 10 હજારથી વધારે ફુડ પેકેટસ તૈયાર કરાવી રહ્યા છે. જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઇને પણ અન્ન કે જળ વગર રહેવું ના પડે તેની પૂર્વ તૈયારીમાં ધારાસભ્ય લાગી ગયા છે. તેમની સાથે વોર્ડ નં.3 ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી અને તેમની ટીમ પણ આ કાર્ય સાથે તાલ મીલાવીને કામગીરી કરી રહ્યા છે. આમ જામનગરની જનતા માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા યુવા ધારાસભ્ય અને તેમની ટીમ આ ચક્રવાતના પગલે અગમચેતી રૂપે ફુડ પેકેટ્સ તૈયાર કરવાની કામગીરી કરી રહ્યા છે અને જામનગરની જનતાને બિપરજોય ચક્રવાતના પગલે સાવચેતી રાખવાના સુચનો પણ આપી રહ્યા છે.
દિવ્યેશ અકબરી 15 હજાર ફૂડ પેકેટ બનાવશે
બીજી બાજુ જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાની આગેવાનીમાં 15,000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને 40 થી વધુ સેવાભાવી ભાઈઓ- બહેનો સહિતના કાર્યકર્તાઓની ટિમ ફૂડ પેકેટ બનાવી રહી છે. સંભવિત વાવાઝોડાને અનુલક્ષીને જામનગર જિલ્લાની વ્યવસ્થા નિહાળવા માટે આવેલા અને સમગ્ર જિલ્લાની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જામનગર આવી પહોંચ્યા પછી તેઓએ લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી. તેઓની સાથે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, ઉપરાંત જામનગર 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા, અને તેઓએ સમગ્ર વ્યવસ્થાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
રાજકોટમાં ઉદય કાનગડે 24 કલાક ધમધમતું રસોડું ઉભું કર્યું
જ્યારે કે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, ઇમિટેશન જ્વેલરી એસો અને સિલ્વર એસો.ના સંયુકત ઉપક્રમે સામાકાંઠે પટેલ વાડી અને રણછોડનગર કોમ્યુનિટી હોલમાં તાવળા માંડી દેવામાં આવ્યા છે. ચોખ્ખા ઘીની સુખડી અને સીંગતેલના ગાંઠીયાના પેકેટ તૈયાર થઇ રહ્યા છે. હજારો પેકેટ તૈયાર થઇ ગયા છે. કુલ 1 લાખ પેકેટ બનાવવાની તૈયારી રાખવામાં આવી છે. આ ફૂડ પેકેટ જ્યાં અસરગ્રસ્તો માટે જરૂર હશે ત્યાં મોકલવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી કિશોર રાઠોડ, પૂર્વ ડે.મેયર અશ્વિન મોલિયા વગેરેએ ફૂડ પેકેટ કેન્દ્રની મુલાકાત લઇ આયોજકોને અભિનંદન આપ્યા હતા. આયોજન માટે ઉદય કાનગડ ઉપરાંત ઇમિટેશન એસો.ના જીજ્ઞેશ શાહ, દેવાભાઇ ગઢીયા, અલ્પેશ દુધાગ્રા, મુકેશ દુધાગ્રા, નરેન્દ્ર મહેતા, જીતુભાઇ, ગણેશભાઇ ગોસરા, મહેન્દ્ર રૈયાણી, સિલ્વર એસો.ના અનિલ તળાવિયા, અલ્પેશ લુણાગરીયા, હરેશ ગઢીયા, શૈલેષ લુણાગરીયા, મનીષ અંટાળા, જીજ્ઞેશ પટોળીયા, રાજુભાઇ સાંગાણી, એસ.આર.પટેલ વગેરે કાર્યરત છે.