કચ્છ - સૌરાષ્ટ્રખેતીગુજરાતટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી! ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, “ખેડૂતોના હિતમાં રહેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે.”

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગે શું કહ્યું?

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાતના સમયે રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ, ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રતિદિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75 ટકાથી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન (એટલે કે સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યામાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.

કનુભાઈ દેસાઈએ ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિદિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના PGVCLના વિજ વિતરણ ક્ષેત્ર  હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.

મંત્રીએ કહ્યું કે, તા. 27.08. 2024ના રોજ PGVCLની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. 23.09.2024ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે, PGVCLની વીજમાંગમાં ઘણો વધારો થયો છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મીલીયન યુનીટસ હતો,જે હાલમાં તા. 23.09.2024ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે.

કનુભાઈ દેસાઈએ આગળ કહ્યું કે, તા. 28.08. 2024ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. 23.09.2024ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મોમાંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ  ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે.

આ પણ જૂઓ: ડીસા-લાખણી-કાંકરેજ-દિયોદર તાલુકાના કુલ ૧૯૨ ગામ અને થરા શહેરને મળશે પીવાનું શુદ્ધ પાણી

Back to top button