વજુભાઈ વાળાને સોંપાશે સૌરાષ્ટ્રની કમાન ? જાણો કોણ ગયું હતું મળવા ?
ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી સત્તાના પરિઘમાં રહેલા કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાનું રાજકીય કદ ફરી ધીમે ધીમે વધી રહ્યું છે. ગઈકાલે રાજકોટ ખાતે વિધાનસભાની સૌરાષ્ટ્ર્રની ૪૨ બેઠકના પ્રભારીઓ અને ૧૫ શહેર જિલ્લા પ્રમુખોની મહત્વની બેઠક ભાજપના રાષ્ટ્ર્રીય સંગઠન મહામંત્રી અને ગુજરાતના પ્રભારી બી.એલ. સંતોષ તથા રાજકોટ જિલ્લા પ્રભારી તથા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં રાણીંગા વાડી ખાતે મળી હતી. આ બેઠક પૂરી થયા પછી બી.એલ. સંતોષ, વિનોદ ચાવડા અને ભાજપના ટોચના આગેવાનો વજુભાઈ વાળાના બંગલે પહોંચ્યા હતા અને ત્યાં બધં બારણે લાંબો સમય સુધી ચર્ચા વિચારણા કરતા આ મુદ્દો રાજકારણમાં છવાઈ ગયો છે અને શું આગામી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કમાન વજુભાઈ વાળાને સોંપવામાં આવશે ? તે અંગે ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે.
વજુભાઈ અગાઉ કર્ણાટકના રાજ્યપાલ હતા જેથી સંતોષ સાથે અંગત સંબંધ
મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્ર્રીય સંગઠન મહામંત્રી અને ગુજરાતના પ્રભારી બી.એલ. સંતોષ કર્ણાટકના છે અને વજુભાઈ વાળા ત્યાં અગાઉ ગવર્નર તરીકે રહી આવ્યા હોવાના કારણે વ્યકિતગત સંબંધોથી તેમને મળવા માટે તે અને વિનોદ ચાવડા આવ્યા હતા અને આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી એવી વાતો કરવામાં આવે છે. પરંતુ કર્ણાટકના ગવર્નર તરીકે ટર્મ પૂરી કરી પરત ફર્યા બાદ રાજકોટમાં વજુભાઈ વાળાનું રાજકીય કદ દિવસો દિવસ વધી રહ્યું છે તેવી વાત રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે.
નેતા કોઈપણ હોય, રાજકોટ આવે એટલે વજુભાઈની મુલાકાત કરે જ
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટમાં આવે ત્યારે વજુભાઈને અચૂક મળતા હતા. કર્ણાટકના ગવર્નર તરીકેની તેની ટર્મ પૂરી થયા પછી છેલ્લા કેટલાક સમયથી વજુભાઈ રાજકોટમાં જ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જેવા મહાનુભાવો યારે રાજકોટ આવે છે ત્યારે વજુભાઈ સાથે અચૂક મુલાકાત કરે છે. એટલું જ નહીં તાજેતરમાં તિરંગા યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ પર વજુભાઈ જોવા મળતા હોય છે.
ચૂંટણી ટાંકણે વજુભાઈની સક્રિયતા રાજકીય નિરીક્ષકો માટે ચર્ચાનો વિષય
૬૯ રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં આ વખતે વિજયભાઈ રૂપાણીને રીપીટ કરવામાં નહીં આવે તેવી વાતો છે. જો વિજયભાઈને ટિકિટ ન મળે તો નીતિનભાઈ ભારદ્રાજને ટિકિટ મળવી જોઈએ એવું લોબીંગ સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યું છે. આવા વાતાવરણમાં વજુભાઈ વાળાના વધતા જતા રાજકીય કદ અને ટોચના આગેવાનોની તેમની સાથેની મુલાકાતોને અને જાહેર કાર્યક્રમોમાં વજુભાઈની હાજરીને રાજકીય નિરીક્ષકો જરા પણ હળવાશથી લેતા નથી. અત્રે એ ઉલ્લેખનીએ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણીલક્ષી રાજકારણની શરૂઆત રાજકોટથી કરી હતી અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી માટે ૬૯ –રાજકોટ વિધાનસભા બેઠક વજુભાઈ વાળાએ ખાલી કરી આપી હતી. ત્યારથી જ તેઓ નરેન્દ્રભાઈની અત્યંત નજીક માનવામાં આવે છે.