T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

મેચ પત્યા બાદ હોટલમાં બેસીને ઓફિસનું કામ કરે છે યુએસએનો આ ક્રિકેટર

Text To Speech

14 જૂન, અમદાવાદ: હાલમાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માં જો કોઈ એક ખેલાડીએ તમામનું ધ્યાન ખેંચ્યું હોય તો તે છે યુએસએ ટીમનો ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર. સૌરભ નેત્રાવલકર આપણે જાણીએ છીએ તેમ પ્રોફેશનલ ક્રિકેટર નથી બલકે એક સોફ્ટવેર એન્જીનિયર છે અને જાણીતી સોફ્ટવેર કંપની ઓરેકલમાં નોકરી કરે છે.  હાલમાં જાણવામાં આવ્યું છે કે સૌરભ આ વર્લ્ડકપની દરેક મેચ પત્યા બાદ હોટલમાં બેસીને ઓફિસનું કામ કરે છે.

એક ક્રિકેટ વેબસાઈટને ઇન્ટરવ્યુ આપતાં સૌરભની બહેન નિધિએ આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘મારો ભાઈ ખરેખર નસીબદાર છે કે તેને કાયમ લોકોનો સાથ અને સહકાર મળ્યા છે. તે જ્યારે ક્રિકેટ નથી રમતો હતો ત્યારે તે પોતાના સો ટકા પોતાના કામને આપતો હોય છે. અત્યારે એટલેકે જ્યારે તે વર્લ્ડ કપ રમી રહ્યો છે ત્યારે પણ પોતાનું લેપટોપ સાથે જ રાખે છે. આથી મેચ પત્યા બાદ હોટલમાં બેસીને તે પોતાની ઓફિસનું કામ કરતો હોય છે.’

નિધિએ આગળ જણાવ્યું હતું કે એ જ્યારે ભારત આવે છે ત્યારે પણ પોતાનું કામ માટેનું લેપટોપ સાથે લાવતો હોય છે. આટલું જ નહીં કૌટુંબિક પ્રસંગો કે ઘરે જ્યારે વચ્ચે સમય અને તક મળે ત્યારે એ લેપટોપ લઈને બેસી જતો હોય છે. આ પાછળનું કારણ જણાવતા નિધીનું માનવું છે કે સૌરભ એક મુંબઈકર છે અને મુંબઈકર ક્યારેય નવરા બેસી રહેવાનું પસંદ નથી કરતો.

આપણે જાણીએ જ છીએ કે સૌરભ નેત્રાવલકર ભારત માટે Under 19 World Cup રમી ચૂક્યો છે, પરંતુ ક્રિકેટમાં કરિયર નહીં બને તેમ વિચારીને તે અમેરિકા જતો રહ્યો હતો. અહીં તેણે ખૂબ મહેનત કરીને યુએસએની ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ વર્લ્ડ કપની પાકિસ્તાનની સામેની મેચમાં નેત્રાવલકરે સુંદર બોલિંગ કરીને પહેલાં તો પાકિસ્તાનને મોટો સ્કોર કરતાં રોક્યું હતું અને ત્યારબાદ જ્યારે મેચમાં ટાઈ થઇ ત્યારે પણ તેણે સુપર ઓવરમાં પાકિસ્તાનને જીતવા દીધું ન હતું. ભારત સામે રમતા સૌરભ નેત્રાવલકરે પહેલાં વિરાટ કોહલી અને બાદમાં રોહિત શર્માની વિકેટો લઈને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

Back to top button