T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

આજે પોતાના જૂના સાથીઓ સામે રમવા માટે તત્પર છે સૌરભ નેત્રાવલકર

12 જૂન, ન્યૂયોર્ક: ICC T20 World Cup 2024ની પાકિસ્તાન સામેની મેચમાં બે વિકેટ લેનાર અને પછી સુપર ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરીને પાકિસ્તાનને જીતથી દૂર રાખનાર યુએસએના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર પર તમામની નજર છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે કોઈ એક સમયે સૌરભ ટીમ ઇન્ડિયાનો પણ હિસ્સો રહ્યો છે.

સૌરભ નેત્રાવલકર ભારત તરફથી Under 19 World Cup રમ્યો છે. આટલું જ નહીં તે મુંબઈ માટે બે સિઝન રણજી ટ્રોફી પણ રમ્યો છે. પરંતુ બાદમાં તેને લાગ્યું કે ભારતમાં રહીને તે ટીમ ઇન્ડિયા માટે નહીં રમી શકે ત્યારે તેણે અમેરિકાનો પંથ પકડ્યો હતો. અમેરિકા આવીને તે હાલમાં જાણીતી સોફ્ટવેર કંપની ઓરેકલ માટે કામ કરે છે. સૌરભ ઓરેક્લમાં સોફ્ટવેર એન્જીનિયર છે અને યુએસએ માટે પાર્ટ ટાઈમ ક્રિકેટ રમે છે.

પાકિસ્તાન સામે અદ્ભુત દેખાવ કર્યા બાદ નેત્રાવલકર તમામની નજરોમાં આવી ગયો હતો અને ભારતીય મીડિયા તો તેની પાછળ ગાંડું થઇ ગયું હોય એવું લાગે છે. આજકાલ ભારતીય મીડિયામાં સૌરભ પોતાના ઇન્ટરવ્યુ આપી રહ્યો છે અને તે પણ એક પછી એક. આવા જ એક ઇન્ટરવ્યુમાં સૌરભે પોતાના ભારતના દિવસો યાદ કર્યા હતા અને તે જે કોઇપણ ભારતીય ક્રિકેટરો સાથે રમ્યો હતો તેને પણ તેણે યાદ કર્યા હતા.

સૌરભ નેત્રાવલકરે ખાસ કરીને પોતાના સાથી ખેલાડી સૂર્ય કુમાર યાદવ વિશે કહ્યું હતું. સૌરભે કહ્યું હતું કે તે અને સ્કાય Under 15 Cricket સાથે રમ્યા હતા. ત્યારે પણ સૂર્ય કુમાર યાદવ બોલરોને ચારેતરફ ફટકારતો હતો. આટલું જ નહીં પરંતુ સ્કાય કાયમ મોટી મોટી સેન્ચુરીઓ પણ મારતો હતો. નેત્રાવલકરનું કહેવું છે કે પૂર્વ સાથી ખેલાડી હોવાને કારણે તેને સૂર્ય કુમાર યાદવ આજે જે પોઝીશન પર છે તે જોઇને તેને ખૂબ આનંદ થાય છે. તેણે ઉમેર્યું હતું કે જ્યારે તેઓ સાથે રમતા ત્યારે જ એમ લાગતું હતું કે આ છોકરો એક દિવસ બહુ મોટું નામ કરશે.

ટીમ ઇન્ડિયાના હાલના કેપ્ટન રોહિત શર્મા વિશે પોતાનો અનુભવ યાદ કરતાં સૌરભે જણાવ્યું હતું કે તેણે મુંબઈ રણજી ટ્રોફીની નેટ્સમાં રોહિત શર્માને બોલિંગ કરી હતી અને ત્યારે તેને ખ્યાલ ન હતો કે એક દિવસ રોહિત ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થશે. સૌરભ નેત્રાવલકરને એ પણ યાદ છે કે તે વિરાટ કોહલી સામે પણ એક ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે.

આજે ભારતમાં જન્મેલો  અમેરિકા માટે રમનારો આ જ ખેલાડી પોતાના ભૂતપૂર્વ સાથીદારો સાથે વર્લ્ડ કપની અત્યંત મહત્વની મેચ રમશે.

Back to top button