રિયાધ, 16 ઓગસ્ટ : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને તેમની હત્યાનો ડર છે. આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ખુદ મોહમ્મદ બિલ સલમાને કર્યો છે. વાસ્તવમાં, સાઉદી ક્રાઉન પ્રિન્સને ડર છે કે જો તેઓ ઇઝરાયેલ, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે સંભવિત ડીલ પર આગળ વધે છે, તો તેમની હત્યા થઈ શકે છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સે આ અંગે ભય વ્યક્ત કર્યો
પોલિટિકોમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓએ ઈઝરાયેલ-સાઉદી અરેબિયા-અમેરિકા વચ્ચે સંભવિત ડીલને લઈને મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન જ સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે જો તેઓ આ ડીલ પર આગળ વધશે તો તેમની હત્યા પણ થઈ શકે છે. આના પર, જ્યારે અમેરિકન અધિકારીઓએ કથિત રીતે તેમની સુરક્ષાની ખાતરી આપી, ત્યારે મોહમ્મદ બિન સલમાને અમેરિકન અધિકારીઓને પૂછ્યું કે જ્યારે 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારે અમેરિકાએ શું કર્યું? જો કે, અહેવાલ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સે સંભવિત જોખમ હોવા છતાં સોદો આગળ વધારવાની ખાતરી આપી હતી કારણ કે કરાર તેમના દેશના ભવિષ્યના હિતમાં છે.
કરાર હેઠળ સાઉદી અરેબિયાને આ લાભ મળશે
નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને અમેરિકા સાઉદી અરેબિયાના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં પણ મદદ કરશે. કરાર હેઠળ અમેરિકા સાઉદી અરેબિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ રોકાણ કરશે. તેના બદલામાં સાઉદી અરેબિયાએ ચીન સાથેના સંબંધો મર્યાદિત કરવા પડશે અને સાથે જ ઈઝરાયેલ સાથેના રાજદ્વારી સંબંધો જાળવી રાખવા પડશે. જો સાઉદી અરેબિયા ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરશે તો તેનાથી ઈઝરાયેલને ઘણો ફાયદો થશે કારણ કે આરબ જગતમાં સાઉદી અરેબિયાનો ભારે પ્રભાવ છે. જોકે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને ડર છે કે જો તેઓ પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપ્યા વિના ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરશે તો તેઓ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાન બની શકે છે.
આ પણ વાંચો : પાકિસ્તાન સુધી પહોંચ્યો મંકી પોક્સ વાયરસ, ભારતે સતર્ક રહેવું પડશે