અમેરિકાની ધમકીનો સાઉદી અરેબિયાએ આપ્યો જવાબ : તેલ કાપના નિર્ણયને સંપૂર્ણપણે ગણાવ્યો આર્થિક
ઓપેક પ્લસના તેલ કાપના નિર્ણયને લઈને અમેરિકા સાઉદી અરેબિયા પર હાલ ગુસ્સે છે. આવી સ્થિતિમાં, સાઉદી અરેબિયાએ આ નિર્ણય અંગે સ્પષ્ટતા રજૂ કરી છે અને કહ્યું છે કે આ નિર્ણયનો સંદર્ભ સંપૂર્ણપણે આર્થિક છે. તે કોઈ પણ પ્રકારનું રાજકીય કાવતરું નહોતું જે અમેરિકા વિરુદ્ધ થયું હતું. તેલ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક પ્લસ દ્વારા તેલ ઉત્પાદનમાં તાજેતરમાં કાપ મૂકવાના નિર્ણયથી અમેરિકાએ તેની સામે નારાજગી દર્શાવી હતી. ઓપેક પ્લસમાં પ્રભુત્વ ધરાવતું સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં વધારો કરે તે માટે અમેરિકા ઇચ્છતું હતું કે તેલની કિંમતો ન વધે, પરંતુ નિર્ણય તેની વિરુધ્ધમાં આવ્યો હતો.
આ પણ વાંચો : સાઉદી અરેબિયા પર કેમ ગુસ્સે થયું અમેરિકા ? : સાંસદોએ આ પરિણામો ભોગવવાની આપી ધમકી
ઓપેક + દ્વારા તેલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય પછી, ઘણા યુએસ ધારાસભ્યોએ સાઉદી અરેબિયાને શસ્ત્રો પુરવઠો અટકાવવા અને તેની સાથેની મિત્રતા પર પુનર્વિચાર કરવા હાકલ કરી છે. અમેરિકાની તીખી પ્રતિક્રિયા બાદ હવે સાઉદી અરેબિયાએ આ અંગે ખુલાસો રજૂ કર્યો છે. સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસના તેલ કાપના નિર્ણયને સંપૂર્ણપણે આર્થિક ગણાવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ વિભાગે નકારી કાઢ્યું છે કે સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પક્ષપાતી છે અને ઓપેક પ્લસનો આ નિર્ણય રાજકીય છે. સાઉદીએ કહ્યું હતું કે આ સાચું નથી, કારણ કે ઓપેક પ્લસના આ નિર્ણયનું કારણ સંપૂર્ણપણે આર્થિક હતું.
સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે ઓપેક પ્લસનો આ નિર્ણય સંપૂર્ણ રીતે આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ તેલ બજારમાં માંગ અને પુરવઠાને સંતુલિત કરવાનો અને અસ્થિરતાને ઘટાડવાનો છે. આ નિર્ણય અમેરિકા વિરુદ્ધ લેવામાં આવ્યો ન હતો, તેવું સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદીએ વધુમાં કહ્યું કે, જો અમેરિકાની સલાહ બાદ તેલ ઉત્પાદનનો આ નિર્ણય એક મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો હોત તો તેના આર્થિક પરિણામો ખરાબ આવ્યા હોત. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ નિર્ણય ઓપેક પ્લસ સંગઠનમાં સામેલ તમામ સભ્ય દેશોની સહમતિ પછી જ લેવામાં આવે છે.
રશિયાને સમર્થન આપવાના આરોપનો આપ્યો જવાબ
રશિયા સહિત કુલ 24 દેશો ઓપેક પ્લસના સભ્ય છે. તે જ સમયે, રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિને લઈને, વિદેશ વિભાગે કહ્યું કે સાઉદી અરેબિયા સામે વિકૃત તથ્યો રજૂ કરવા તે દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી સાઉદીનો પક્ષ બદલાશે નહીં. સાઉદી અરેબિયાએ વધુમાં કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં અમે શરૂઆતથી જ એક સૈદ્ધાંતિક સ્થિતિ જાળવી રાખી છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે તે કોઈપણ દેશની સાર્વભૌમત્વના ઉલ્લંઘનને સંપૂર્ણપણે નકારી કાઢે છે.
તે જ સમયે, સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે અમે અમેરિકા સાથેના અમારા સંબંધોને વ્યૂહાત્મક રીતે જોઈએ છીએ, જે બંને દેશોના સામાન્ય હિત માટે કામ કરે છે. અમે મજબૂત સ્તંભોના મહત્વને સમજીએ છીએ. જેના થકી અમે છેલ્લા આઠ દાયકાથી સાઉદી-અમેરિકા વચ્ચેનાં સંબંધો બાંધી રાખ્યાં છે.
જો બાઈડને ગંભીર પરિણામોની આપી હતી ચેતવણી
વાસ્તવમાં અમેરિકા હાલના સમયે તેલ ઉત્પાદનમાં ઘટાડા સાથે સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતું ન હતું. આ કારણથી અમેરિકા સાઉદી અરેબિયા સાથે સતત વાત કરતું હતું. તે જ વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડ પોતે પણ તેલ ઉત્પાદન વધારવા અંગે ચર્ચા કરવા સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. ત્યાં સાઉદીમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમના પર સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો આરોપ છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ અનેક પ્રસંગોએ પત્રકાર ખાશોગીની હત્યા માટે સાઉદી ક્રાઉન પ્રિન્સને જવાબદાર ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં ઓપેક પ્લસના તેલ ઉત્પાદનમાં અચાનક ઘટાડો કરવાના નિર્ણયથી અમેરિકા ખૂબ નારાજ થઈ ગયું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ પ્રમુખજો બાઈડને સાઉદી અરેબિયાને ચેતવણી આપી હતી કે ઓપેક પ્લસના નિર્ણયના પરિણામો ગંભીર આવશે.
ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ, OPEC પ્લસ (ઓર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) એ જાહેરાત કરી હતી કે તે દરરોજ 2 મિલિયન બેરલ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરશે. અમેરિકા પણ ઘણી કોશિશ કરી રહ્યું હતું કે આવું ન થવું જોઈએ, પરંતુ આ નિર્ણયથી અમેરિકા સાઉદી અરેબિયા પર નારાજ થયું હતું.
રશિયા પણ ઓપેક પ્લસનું સભ્ય
હવે ખાસ વાત એ છે કે યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલું રશિયા પણ આ ઓપેક પ્લસ સંગઠનનું સભ્ય છે. ઓપેક પ્લસમાં 13 ઓપેક દેશો સહિત કુલ 24 સભ્યો છે, જ્યારે અન્ય 11 નોન-ઓપેક દેશો સામેલ છે. ઓપેક પ્લસે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં, તેલના ઉત્પાદનમાં આટલો મોટો ઘટાડો તેલની કિંમતોમાં વધુ વધારો કરી શકે છે, જેની ભારત જેવા દેશો પર મોટી અસર પડી શકે છે. આ મુદ્દે એક અમેરિકી ધારાસભ્ય ક્રિસ મર્ફી કહ્યું હતું કે આ કાપ મૂકવાના નિર્ણયમાં સાઉદી અરેબિયાનો હેતુ રશિયાની મદદ કરવાનો છે. સાઉદી અરેબિયા ઓપેક પ્લસ સંગઠનનું મુખ્ય સભ્ય છે. આવી સ્થિતિમાં ઓપેક પ્લસમાં કાપ મૂકવાના નિર્ણય બાદ જ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.
અમેરિકી ધારાસભ્યે સાઉદી અરેબિયા વિરુદ્ધ આપ્યું તીક્ષ્ણ નિવેદન
હાલમાં જ અમેરિકી ધારાસભ્ય ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે, અમેરિકાને સાઉદી અરેબિયા પાસેથી એટલું સમર્થન મળ્યું નથી જેટલું તેને જોઈતું હતું. ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે અમેરિકા હવે સાઉદી સાથેના સંબંધો પર વિચાર કરશે. મર્ફીએ કહ્યું હતું કે ડેમોક્રેટ્સના અન્ય સભ્યો પણ ઈચ્છે છે કે ખાડી દેશો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવામાં આવે. સાથે જ ક્રિસ મર્ફીએ પણ કહ્યું હતું કે સાઉદી અરેબિયાનો હેતુ રશિયાની મદદ કરવાનો છે. સાઉદી અરેબિયા તેલની કિંમતોમાં વધારો કરીને રશિયાને મદદ કરી રહ્યું છે. આ રીતે સાઉદીના સમર્થનથી આપણું યુક્રેન જોડાણ નબળું પડી રહ્યું છે, જેનું પરિણામ સાઉદી અરેબિયાએ ભોગવવું પડશે.