રિયાધઃ સાઉદી અરેબિયાએ લાખો ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે. સાઉદી અરેબિયાએ ભારત સહિત 16 દેશોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના પાસપોર્ટના જનરલ ડિરેક્ટોરેટે શનિવારે જારી કરેલા આદેશમાં આ પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો છે. ભારત ઉપરાંત આ દેશોમાં ઈરાન, તુર્કી, યમન, વિયેતનામ, કોંગો, ઈથોપિયા, વેનેઝુએલા વગેરેનો સમાવેશ થાય છે.
સાઉદી ગેઝેટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, સાઉદી પ્રશાસને તેના આદેશમાં ભાર મૂક્યો છે કે બિન-અરબ દેશોમાં મુસાફરી કરવા માંગતા આવા સાઉદી લોકોના પાસપોર્ટની માન્યતા 6 મહિનાથી વધુ હોવી જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આરબ દેશોની અંદર મુસાફરી કરતા લોકોના પાસપોર્ટની માન્યતા 3 મહિનાથી વધુ હોવી જોઈએ. અન્ય ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલના દેશોમાં મુસાફરી કરવા માંગતા સાઉદી નાગરિકો માટે, તેમના રાષ્ટ્રીય ID કાર્ડની માન્યતા 3 મહિનાથી વધુ હોવી આવશ્યક છે.
મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી: સાઉદી
અરેબિયા સાઉદી અરેબિયાના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર અબ્દુલ્લા અસિરીએ કહ્યું કે, સરકાર પાસે શંકાસ્પદ મંકીપોક્સ કેસોની દેખરેખ અને ઓળખ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. તેમણે કહ્યું, જો દેશમાં મંકીપોક્સનો મામલો સામે આવે છે, તો દેશ પાસે તેની સાથે વ્યવહાર કરવાની ક્ષમતા પણ છે.
અસિરીએ કહ્યું, ‘અત્યાર સુધી, મંકીપોક્સના માનવ-થી-માનવ સંક્રમણના કેસ ખૂબ જ મર્યાદિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, વિશ્વમાં મંકીપોક્સના વધુ કેસ હોઈ શકે છે. શનિવાર સુધીમાં 12 દેશોમાં મંકીપોક્સના 92 કેસની પુષ્ટિ થઈ હતી. સાઉદી અરેબિયામાં લાખો ભારતીયો કામ કરે છે. આ પ્રવાસ પ્રતિબંધથી તેમની મુશ્કેલી વધી શકે છે.