ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં કાર્યવાહી

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: CBIએ આજે જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં 29 અન્ય સ્થળો પર પણ દરોડા ચાલુ છે. કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારને લઇને આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સત્યપાલ મલિકે ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દાવો કર્યો હતો કે તેમને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની બે ફાઇલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરાઈ હતી. જો કે, અગાઉ 6 જુલાઈ 2022ના રોડ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લઈને દેશભરમાં 16 સ્થળોએ છાપેમારી કરાઈ હતી.

ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં CBIની કાર્યવાહી

CBI અધિકારીઓએ જણાવ્યું કે સવારથી ચાલી રહેલા આ સર્ચ ઑપરેશનમાં લગભગ 100 અધિકારીઓ જુદા-જુદા શહેરના 30 સ્થળે કાર્યવાહી કરી રહ્યા છે. કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ (HEP) માટે રૂ. 2,200 કરોડના સિવિલ વર્કસની ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સીબીઆઈએ એપ્રિલ 2022માં મલિક સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત અનિયમિતતાના સંબંધમાં કેસ નોંધ્યો હતો.

CBIની કાર્યવાહીને લઈને સત્યપાલ મલિકે X પર લખ્યું છે કે, છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં તાનાશાહી દ્વારા સરકારી એજન્સીઓ મારા ઘર પર દરોડા પાડી રહી છે. મારા ડ્રાઇવર અને મારા આસિસ્ટન્ટને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને બિનજરૂરી હેરાન કરાઇ રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરીશ નહીં.

કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો શું છે?

આરોપ છે કે, કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરાયું ન હતું. તેમજ CVPPPLની 47મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા કોન્ટ્રાક્ટની ફરીથી ફાળવણી કરાશે. પરંતુ ચાલુ ટેન્ડર પ્રક્રિયા રદ થયા બાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટિંગનો નિર્ણય પલટાયો હતો.

સત્યપાલ મલિકના પૂર્વ પ્રેસ સેક્રેટરીના ઘરે પણ દરોડા

આ કેસના સંદર્ભમાં CBIએ તાજેતરમાં દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પ્રેસ સચિવ સુનક બાલીના ઘર પર દરોડા પાડ્યા હતા. સાઉથ દિલ્હીમાં ડિફેન્સ કોલોની અને વેસ્ટ એન્ડમાં તેમના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર બાલી નાણાંની ઉચાપત કેસમાં મુખ્ય શંકાસ્પદ છે. જો કે, મલિકે તેમના ભૂતપૂર્વ સાથીદારનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે CBIઆ કેસમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને પરેશાન કરી રહી છે. જ્યારે હું જમ્મુ-કાશ્મીરનો રાજ્યપાલ હતો ત્યારે તે મારા પ્રેસ સલાહકાર હતા અને આ કામ માટે કોઈ સરકારી પગાર લેતા નહોતા.

આ પણ વાંચો: પાકિસ્તાને કબજે કરેલા જમ્મુ-કાશ્મીરનો ભાગ પરત લેવા આજના દિવસનું શું મહત્ત્વ છે?

Back to top button