શનિની પનોતી કુંભ રાશિની મુશ્કેલીઓ વધારશેઃ આજથી સાડાસાતીનો બીજો તબક્કો, જાણો ઉપાયો
શનિ ગ્રહનું આજથી રાશિ પરિવર્તન થઇ રહ્યુ છે. આજના દિવસે રાતે 8.02 વાગ્યે શનિ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રુર ગ્રહ કહેવાય છે. આ ગ્રહની ચાલ સૌથી ધીમી હોય છે. તેથી તે અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ ગણતરી પ્રમાણે જોઇએ તો લગભગ 30 વર્ષ બાદ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે.
શનિને ન્યાયનો દેવતા કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મોના આધારે શુભ-અશુભ ફળ આપે છે. જ્યોતિષશાસ્ત્રીઓની વાત માનીએ તો જ્યારે પણ શનિનું રાશિ પરિવર્તન થાય છે તો તે શનિની ઢૈય્યા અને શનિની સાડા સાતી બંનેમાં પરિવર્તન આવે છે. 17 જાન્યુઆરીના રોજ જ્યારે શનિ કુંભ રાશિમાં ગોચર કરશે તો કેટલીક રાશિઓને સાડાસાતી અને ઢૈય્યાથી રાહત મળશે. તો કેટલીક રાશિઓ પર તેની શરૂઆત થશે.
આ રાશિઓ સાડા સાતીમાંથી મુક્ત થશે
17 જાન્યુઆરીએ જ્યારે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ધન રાશિને ખુબ લાભ થશે. આ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ ખતમ થશે. ધનરાશિવાળાઓને તેમના કાર્યોમાં સફળતા, ધન લાભ અને પારિવારિક જીવનમાં ખુશહાલીના યોગ બનશે.
મીન રાશિ પર સાડાસાતીનો પહેલો તબક્કો
શનિ કુંભ રાશિમાં આવતા જ ધનરાશિના જાતકોને સાડા સાતીમાંથી રાહત મળશે, જ્યારે મીન રાશિની સાડાસાતી શરૂ થઇ જશે. મીન રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પહેલો તબક્કો શરૂ થશે. તેના જાતકો માનસિક તણાવમાં વધુ રહેશે.
કુંભ રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો
શનિ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પરત ફરશે. શનિના આ ગોચરથી કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. સાડાસાતીનો બીજો તબક્કો અત્યંત કષ્ટકારી હોય છે. તેમાં નોકરી, ધન, વેપાર સાથે જોડાયેલી સમસ્યાઓ ઉદ્ભવે છે.
મકર રાશિ પર સાડાસાતીનો ત્રીજો તબક્કો
શનિના કુંભ રાશિમાં ગોચરથી મકર રાશિ પર સાડાસાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ થઇ જશે. ત્રીજો તબક્કો જાતકોને વધુ પરેશાન કરતો નથી. જોકે તેમણે સાવચેત રહેવાની જરૂર હોય છે.
આટલું ધ્યાન રાખો
શનિદેવ એ ન્યાયના દેવતા છે. એવું કહેવાય છે કે શનિની પનોતી રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બનાવી શકે છે. જેને શનિની પનોતી ચાલતી હોય તેણે શનિવાર ખાસ કરવા. શનિના મંત્રનો જાપ કરવો. તમે વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ તે કરાવી શકો છો. હનુમાનજીની ઉપાસના કરવી. રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. શનિવારના દિવસે કાળા અડદ, તેલ, કસ્તુરી, સુવર્ણ, લોખંડ, ચંપલનું દાન કરવુ. બ્રહ્મભોજન કરાવવું
આ પણ વાંચોઃ આ વખતે ષટતિલા એકાદશી પર ત્રણ શુભ યોગઃ વધી જશે અગિયારસનું મહત્ત્વ