ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

WTC પોઈન્ટ ટેબલમાં SAની મોટી છલાંગ, ભારતની ચિંતામાં થયો વધારો, જાણો કેમ

પૂણે, 24 ઓક્ટોબર : ICC WTCના પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર ફેરફાર થયો છે. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ સાથે ટીમે WTC પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે.  આ કારણે જ્યાં એક તરફ સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવી છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે ટેન્શન વધુ વધી ગયું છે. બીજી તરફ આ હારથી બાંગ્લાદેશને નુકસાન થયું છે.

બાંગ્લાદેશ સામેની જીતથી દક્ષિણ આફ્રિકાને મોટો ફાયદો

દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં મોટા અંતરથી જીત મેળવી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સીધું ચોથા નંબર પર કબજો કરી લીધો છે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકા 38.890ના PCT સાથે છઠ્ઠા નંબર પર હતું. પરંતુ એક જ જીતે તેની પીસીટી વધારીને 47.62 કરી દીધી છે. આ એક જીત સાથે ટીમે બે સ્થાનની છલાંગ લગાવી છે અને સીધું ચોથા નંબર પર કબ્જો કરી લીધો છે.

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે એક-એક સ્થાન ગુમાવ્યું

આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડથી આગળ નીકળી ગઈ છે. આ બંને ટીમોને એક-એક સ્થાન નીચે આવવું પડ્યું છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો આ મેચ પહેલા બાંગ્લાદેશનો PCT 34.380 હતો જે હવે ઘટીને 30.55 પર આવી ગયો છે. જો કે આ પછી પણ ટીમ પહેલાની જેમ સાતમા નંબર પર રહેશે. પરંતુ હવે ટીમ ફાઈનલ સુધીનું અંતર કાપી શકશે કે કેમ તે અંગે ઘણી શંકા છે.

ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા હજુ પણ ટોપ 3 ઉપર

વર્તમાન પોઈન્ટ ટેબલમાં ટોચની 3 ટીમો વિશે વાત કરીએ તો, ભારતીય ટીમ હાલમાં 68.060 PCT સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને તેનું સ્થાન અકબંધ છે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. તેનું PCT 62.500 છે. ત્રીજા નંબર પર શ્રીલંકા છે. તેનું PTC હાલમાં 55.560 પર ચાલી રહ્યું છે. સારી વાત એ છે કે દક્ષિણ આફ્રિકા પાસે ફાઇનલમાં પહોંચવાની શાનદાર તક છે. હવે ટીમે બાંગ્લાદેશથી જ વધુ એક ટેસ્ટ રમવાની છે. આ પછી ટીમે ઘરઆંગણે પાકિસ્તાન અને શ્રીલંકા સામે રમવાનું છે.  દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ટેસ્ટમાં હરાવવું બિલકુલ સરળ નથી. આવી સ્થિતિમાં જો દક્ષિણ આફ્રિકા આ ​​મેચ જીતી જાય તો સમજી લેવું કે ફાઈનલ પણ દૂર નથી.

ઈન્ડિયાને બાકીની બે મેચ ન્યૂઝીલેન્ડ સામે જીતવી પડશે

હવે જો ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા અત્યારે નંબર વન પર હોવા છતાં ન્યુઝીલેન્ડે તેની રમત બગાડી છે.  ન્યૂઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટમાં ભારતીય ટીમને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. હવે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની બાકીની બે મેચ જીતવી પડશે. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે ત્યારે તેણે તેમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે, તો જ તેનું ફાઈનલમાં સ્થાન નિશ્ચિત થશે. જો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે જીતી જાય તો પણ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવું ઘણું મુશ્કેલ કામ હશે.  આથી ભારતે માત્ર પોતાની મેચો જીતવી નથી, પરંતુ અન્ય ટીમોના પ્રદર્શન પર પણ નજર રાખવી પડશે.

આ પણ વાંચો :- Video: ગેટની બહારથી ડોકિયું કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે! જાણો શું છે સમગ્ર મામલો

Back to top button