વડોદરાઃ સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં રહેતી વિધવા સફાઇ કામદાર મહિલાને રૂપિયા 3 હજારનું કામ અપાવવાની લાલચ આપીને મહિલાને પોઇચા ગામની સીમમાં લઇ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ દુષ્કર્મ આચરનાર હવસખોર દીયર સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા ગામ પાસે આવેલી કંપનીઓમાં સફાઇનું કામ કરે છે
મળેલી માહિતી પ્રમાણે, ભાદરવા તાલુકામાં રહેતા કોકીલાબહેન (નામ બદલ્યું છે) વિધવા છે. પતિના અવસાન બાદ તેઓ પોતાના ગામ પાસે આવેલી કંપનીઓમાં સફાઇનું કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 43 વર્ષિય દીયર હસમુખ ગોરધનભાઇ હરીજન મોક્સી ગામના સરપંચ છે. બે દિવસ પહેલાં દીયરે કોકીલાબહેનની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદના આધારે હવસખોર હસમુખ હરીજનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
દીયર ભાભીને ટુ વ્હિલર પર જગ્યા બતાવવાના બહાને લઇ ગયો
આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં કોકીલાબહેન રાબેતા મુજબ તેઓના ગામની આસપાસમાં આવેલી કંપનીઓમાં સવારના સમયે સફાઇ કામ કરીને ચાલતા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન તેમનો દીયર અને મોક્સી ગામનો સરપંચ પોઇચા ચોકડી પાસે કોકીલાબહેનને મળ્યો હતો અને કોકીલાબહેનને રૂપિયા 3 હજારનું કામ અપાવવાના બહાને પોતાના ટુ વ્હિલર ઉપર બેસાડીને પોઇચા ગામ તરફ જવાના રસ્તા ઉપર લઇ ગયો હતો.