‘સરદાર વલ્લ્ભભાઈ પટેલનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કરતાં પણ ઊંચું છે’


નર્મદાઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાંતોએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતા અને ગૌરવની લાગણી વ્યક્ત વ્યકત કરી.સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતીકરૂપ છે તેમ જણાવી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સરદાર સાહેબનું વ્યક્તિત્વ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કરતાં પણ ઊંચું છે તેમ કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ શ્રીમતી શાહીન મેમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મુલાકાતના અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર શીવમ બારીઆએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી. આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેઝર શો પણ નિહાળ્યો હતો.આ મુલાકાત દરમિયાન તેમની સાથે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો પણ જોડાયા હતા.

ગોરા ઘાટ પર મા રેવાની આરતી
નર્મદા નદીના ગોરા ઘાટ પર રોજ 51 દીવાની આરતી કરવામાં આવે છે. શરૂઆતમાં આ આરતી બ્રાહ્મણો કરી રહ્યા હતા.પરંતુ શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને SOU સત્તામંડળના સંયુક્ત નિર્ણયથી હવે આ નર્મદા આરતીનો લાભ પ્રવાસીઓ પણ માણી શકે એટલે રોજના 7 જેટલા ભક્તોને યજમાન પદ અપાવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય મંત્રી માંડવિયા.ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો નર્મદા મૈયાની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં નવ- નિર્મિત મા નર્મદા ઘાટ ઉપર મા નર્મદાની સાધના, આરાધના અને ભક્તિના ત્રિવેણી સંગમ દ્વારા રચાતું આ પવિત્રતાનું પ્રતિબિંબ દરરોજ થતી નર્મદા મહાઆરતીનાં રૂપમાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનું ગાન સાથે ધૂપ-આરતીથી નર્મદાજી ને અર્ઘ્ય આપવામાં આવે છે.

સમગ્ર જીવસૃષ્ટીને પોષણ આપનારી નદીને આપણી સંસ્કૃતિમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત માટે આવી એક નદી એટલે નમામિ દેવી નર્મદે બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે જેટલુ જરૂરી માતાનું દૂધ છે એટલુ જ મહત્વ આપણા માટે મા સમી નર્મદા નદીનું છે. જેના દર્શન માત્રથી આપણને નર્મ અર્થાત આનંદ મળે તેવી આપણી મા નર્મદા. જો આપ પણ ક્યારેક સ્ટેયૂ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ તો ગોરા ઘાટ પર મા રેવાની આરતીમાં અચૂકપણે ભાગ લેજો.