ગુજરાતમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. રાજ્યભરમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ડેમ, નદીઓ ફરી ઓવરફ્લો થઈ રહી છે. ત્યારે હવે ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 1,26,675 ક્યુસેક છે.
મળતી માહિતી મુજબ રવિવારના રાતના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.76 મીટર થઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે આણંદ ,વડોદરા,ખેડા અને પંચમહાલમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ સહિત અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. નવસારી, વલસાડ, વાપી સહિત અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 ઓગસ્ટે નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. મંગળવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.