સાળંગપુર મંદિરના મહંતનો “કમળ” પ્રેમ ! , વોટ માટે અપીલ, વીડિયો વાયરલ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે. ત્યાં, હવે ધાર્મિક સંપ્રદાય પણ રાજકીય પક્ષો માટે પ્રચાર કે અપીલ કરતા નજરે પડી રહ્યા છે. પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જે રીતે મતદાન માટે અપીલ કરી, તેમાં તેમનો “કમળ” પ્રેમ જોવા મળી રહ્યો છે.
સાળંગપુર કષ્ટભંજન મંદિરના મહંત શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી આ વીડિયોમાં ત્યાં હાજર તમામ લોકોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાની અપીલ કરી રહ્યા છે. વાત અહીં સુધી તો ઠીક હતી. પરંતુ, એ પછી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી જે બોલ્યા એ પછી તેમનો આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શું કહ્યું શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ ?
હરિદ્વાર ખાતે યોજાયેલી કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ વિડીયોમાં કહ્યું કે -”લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવુ હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહિ જો વોટ નહીં આપો તો કોઈને કહેવાનો અધિકાર નથી”.
મહત્વનું છે કે હાલ ચૂંટણીના માહોલમાં વચ્ચે હરિપ્રકાશ સ્વામીનો શ્રોતાજનોને અપીલ કરતો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.