ફિફા વર્લ્ડ કપમાં ધોની બાદ છવાયો સંજુ સેમસન : સમર્થનમાં ઊતર્યા ચાહકો

હાલ કતાર ખાતે ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો ફૂટબોલ જોવા પહોંચ્યા હતા અને હવે ફૂટબોલ વર્લ્ડ કપમાં વઘુ એક ક્રિકેટરના સમર્થનમાં તેના ચાહકો કતાર પહોંચ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી બીજી વનડે મેચમાં પણ વિવાદ થયો હતો. ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો, જેના પર ઘણા સવાલો ઉભા થયા હતા. સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો એવો ફાટી રહ્યો હતો કે હવે આ મામલો કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો : ફિફા વર્લ્ડ કપમાં છવાયો ‘કેપ્ટન કૂલ’નો રંગ : મેચ કરતાં નંબર-7 ની જર્સી થઈ વાયરલ
Everybody: Who are you supporting at the FIFA World Cup?
Us: pic.twitter.com/e66NRg78dh
— Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022
રાજસ્થાન રોયલ્સે શેર કરી પોસ્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રોયલ્સે કેટલાક ચાહકોની તસવીરો તેનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી, જેમાં ચાહકો દ્વારા સંજુના સમર્થનમાં પોસ્ટર લહેરાવામાં આવી રહ્યા છે. ચાહકોએ પોસ્ટર પર લખ્યું છે કે કતાર તરફથી તમને ઘણો પ્રેમ, અમે તમને સંજુ સેમસનને સપોર્ટ કરીએ છીએ. સંજુને ભારતીય ટીમમાં રમવાની તકો ન મળતા તેનાં ચાહકો તને સમર્થન આપવા, તેના બેનર લઈ કતારમાં વર્લ્ડ કપ જોવા ગયા હતા અને ત્યાંથી આ તસવીરો શેર કરી છે.
સંજુને કેમ નથી મળી રહ્યું પ્લેઇંગ-11માં સ્થાન ?
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રવાસમાં બીજી વખત સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કરવામાં આવ્યો છે. સંજુને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટી-20 સિરીઝમાં પણ પડતો મૂક્યો હતો, ત્યારબાદ તેણે બોલિંગ વિકલ્પ માટે દલીલ કરી હતી. આ પછી બીજી વનડેમાં પણ કેપ્ટન શિખર ધવને સંજુ સેમસનને પડતો મૂક્યો હતો. સંજુ સેમસનને પડતો મુકવા માટે શિખર ધવને પણ મુખ્ય દલીલ તરીકે બોલિંગનો વિકલ્પ આપ્યો હતો. રવિવારે રમાયેલી મેચમાં સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડાને પ્લેઇંગ-11માં લાવવામાં આવ્યો હતો. કેપ્ટન શિખર ધવને કહ્યું હતું કે,“અમે છઠ્ઠા બોલિંગ વિકલ્પની શોધમાં હતા, જેના કારણે અમે સંજુને બદલે દીપક હુડ્ડાને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું હતું.”

IPL 2022માં ટોપ-10 બેટ્સમેનમાં રહ્યો સંજુ સેમસન
વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન વર્ષોથી IPLમાં રન બનાવવા છતાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. સેમસન IPL 2022માં ટોપ-10 સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં હતો, તેણે 17 મેચમાં 458 રન બનાવ્યા હતા. તે આ વર્ષે ભારતીય ટીમ માટે સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ પસંદગીનાં અભાવે તેને પૂરતી તકો મળી નથી.