મે 8, નવી દિલ્હી: ગઈકાલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક વિવાદાસ્પદ નિર્ણય બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને આઉટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયનો વિરોધ કરવા અથવાતો તેના વિશે અમ્પાયર્સ સાથે ચર્ચા કરવાના ગુના બદલ સંજુ સેમસન પર દંડ લગાવવામાં આવ્યો છે.
ગઈકાલે દિલ્હીમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન સંજુ સેમસનને કારણે જ મેચમાં બનેલું રહ્યું હતું. જ્યાં સુધી સંજુ સેમસન વિકેટ ઉપર હતો રાજસ્થાનના જીતવાની આશા હતી.
પરંતુ સંજુ સેમસને જ્યારે મુકેશ કુમારને સિક્સર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઉન્ડ્રી લાઈન પર જ ફિલ્ડીંગ ભરી રહેલા શેઇ હોપે તેનો કેચ કર્યો હતો. જો કે આ કેચ ક્લિયર હતો કે નહીં એ ચેક કરવા માટે થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી. થર્ડ અમ્પાયરે વારંવાર રિપ્લે જોઇને નિર્ણય આપ્યો હતો કે શેઇ હોપે ક્લિયર કેચ કર્યો છે અને સંજુ સેમસનને તેણે આઉટ આપ્યો હતો.
પરંતુ જે રિપ્લે ટીવી પર દેખાડવામાં આવી રહી હતી તેનાથી આ કેચ ક્લિયર હતો કે કેમ તેના વિશે તેને જોનારાઓમાં સ્પષ્ટ શંકા ઉભી થઇ રહી હતી. એક રિપ્લે એવું દેખાડી રહી હતી કે કેચ લેતી વખતે શેઇ હોપનો બુટ બાઉન્ડ્રી લાઈનને અડી ગયો છે. જો આમ ખરેખર થયું હોય તો સંજુ સેમસનને થર્ડ અમ્પાયરે આઉટ આપવો ન જોઈએ.
પરંતુ જ્યારે એક વખત નિર્ણય લઇ લેવામાં આવે ત્યાર બાદ ખેલાડીએ તેને માથે ચડાવવો જોઈએ આ સામાન્ય નિયમ હોય છે. પરંતુ સંજુ સેમસને આ નિર્ણયની વિરુદ્ધમાં ઓન-ફિલ્ડ અમ્પાયરો સાથે ચર્ચામાં ઉતરી પડ્યો હતો. ટીવી પર આ ચર્ચા જોઇને સ્પષ્ટ દેખાતું હતું કે સેમસન આ નિર્ણયની નારાજ છે અને તે અમ્પાયરો સાથે દલીલ કરી રહ્યો છે.
મેચ પત્યા બાદ મેચ રેફરીએ સંજુ સેમસનને IPLકોડ ઓફ કંડાક્ટની કલમ 2.8 હેઠળ દોષિત માન્યો હતો અને તેની 30% મેચ ફી જેટલી રકમનો તેને દંડ ફટકાર્યો હતો.
ઉપરોક્ત ઘટના સમયે VIP બોક્સમાં બેસેલા દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલ અમ્પાયરોને સેમસન આઉટ હોવાના સતત ઈશારા કરી રહ્યા હતા. ક્રિકેટ ચાહકોએ માંગણી કરી છે કે આ પ્રકારના વર્તન બદલ પાર્થ જિંદલ વિરુદ્ધ પણ IPLની કમિટી દ્વારા કોઈ પગલાં લેવાવા જોઈએ.