સંજીવ ખન્ના બન્યા દેશના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ મૂર્મૂએ લેવડાવ્યા શપથ
- ભૂતપૂર્વ CJI ચંદ્રચુડે જ જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી હતી
નવી દિલ્હી, 11 નવેમ્બર: દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 51મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ દ્વારા તેમને CJIના હોદ્દા અને ગોપનિયતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ખન્નાના નામની ભલામણ ભૂતપૂર્વ CJI ચંદ્રચુડે જ કરી હતી. જેઓ 65 વર્ષની ઉંમરે 10 નવેમ્બરના રોજ રવિવારે નિવૃત્ત થઈ ગયા છે. જસ્ટિસ ખન્નાની કાનૂની કારકિર્દી ઊંડી અને વૈવિધ્યસભર છે.
જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ સંજીવ ખન્નાએ ઘણા મોટા કેસોની સુનાવણી કરી છે. જસ્ટિસ ખન્ના EVMની વિશ્વસનીયતા જાળવવા, ચૂંટણી બોન્ડ સ્કીમને રદ્દ કરવા, આર્ટીકલ 370 હટાવવા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે.
Swearing-in-Ceremony of the Chief Justice of India Shri Justice Sanjiv Khanna at Rashtrapati Bhavan https://t.co/vWiDP1Pg2g
— Ministry of Information and Broadcasting (@MIB_India) November 11, 2024
દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યો કાયદાનો અભ્યાસ
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી, તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટિસ કરી.
જસ્ટિસ સંજીવ ખન્નાએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ટેક્સ સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ કેસ સંભાળ્યા હતા. તેમણે આવકવેરા વિભાગના વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું છે. વધુમાં, તેમણે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવા આપી હતી અને દિલ્હી હાઈકોર્ટમાં ફોજદારી કેસોમાં અવારનવાર તેમની એમિકસ ક્યુરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. Amicus Curiae એવી વ્યક્તિઓ છે જે કોર્ટને મદદ કરે છે અને કાયદાના આધારે નિર્ણય લેવામાં યોગદાન આપે છે. સંજીવ ખન્ના બંધારણીય, ટેક્સ, કોર્પોરેટ અને કોમર્શિયલ કાયદાની બાબતોમાં નિપુણતા ધરાવે છે. જૂન 2005માં દિલ્હી હાઈકોર્ટમાં જજ બન્યા અને ફેબ્રુઆરી 2006માં કાયમી જજનું પદ મેળવ્યું. જાન્યુઆરી 2019માં જસ્ટિસ ખન્નાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં કોણ હશે આગામી CM ? સામે આવ્યું અમિત શાહનું મોટું નિવેદન