‘તે હવે પહેલા જોવો નથી રહ્યો’: વિરાટ માટે આ શું બોલી ગયા માંજરેકર?
30 મે, મુંબઈ: પૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરે વિરાટ કોહલી તેમજ ICC T20 World Cup માટે પસંદ થયેલી ટીમ ઇન્ડિયા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે અગાઉ પણ માંજરેકર પોતાના વિચારો વ્યક્ત કરીને વિવાદો ઉભા કરી ચૂક્યા છે.
સંજય માંજરેકરે વિરાટ કોહલી વિશે કહ્યું હતું કે તે હવે પહેલા જેવો રહ્યો નથી. માંજરેકર બે વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 World Cupનો સંદર્ભ લઈને બોલી રહ્યા હતા. માંજરેકરનું માનવું છે કે ટીમ ઇન્ડિયાની આ વખતની ટીમ યોગ્ય રીતે પસંદ થઇ નથી. તેમને એવું લાગે છે કે આ ટીમ દરેક જણને ખુશ રાખવા માટે પસંદ કરવામાં આવી છે.
એક અખબારને આપેલી મુલાકાતમાં સંજય માંજરેકર દ્વારા આ પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હતું.
‘છેલ્લી અમુક ICC ઈવેન્ટ્સ માટે ભારતના સિલેક્ટરો કેવી ટીમ પસંદ કરવી તે બાબતે વધુ પડતો વિચાર કરતા હોય એવું મને લાગે છે. કેટલાકને એવું લાગે છે કે આ પ્રકારનું સિલેક્શન સુરક્ષિત રીતે બચી જવા માટે છે, પરંતુ મને આ પ્રકારનું સિલેક્શન ક્યારેય ગમ્યું નથી. મને એવું લાગતું હતું કે આવનારા T20 વર્લ્ડ કપ માટે ભારત એ નવો રસ્તો પસંદ કરશે, ખાસ કરીને છેલ્લા 7 વર્લ્ડ કપમાં જ્યાં ટીમમાં અનુભવી ખેલાડીઓ પર વધુ આધાર રાખવામાં આવ્યો હતો અને તેમ છતાં કોઈ સફળતા મળી નથી.’
માંજરેકર આગળ કહે છે, ‘મને એવું લાગે છે કે આ એક સુંદર તક હતી કે જેમાં T20 ક્રિકેટમાં યુવાનોને વધુ મહત્વ આપવું જોઈતું હતું, ખાસકરીને બેટ્સમેનોને. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સિલેક્ટરો પણ આપણી જ ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે જ્યાં અમુક ખાસ પ્લેયરોની ભક્તિ કરવી પડે છે.’
ટૂંકમાં સંજય માંજરેકરનું એમ માનવું છે કે આ વખતના ICC T20 World Cupની ટીમમાં અનુભવી કરતાં યુવા ખેલાડીઓને વધુ મહત્વ આપવું જોઈતું હતું. અથવાતો જે રીતે મહેન્દ્ર સિંઘ ધોનીએ 2007માં જે રીતે સાવ નવા ખેલાડીઓ અથવાતો ઓછા અનુભવી ખેલાડીઓને લઈને વર્લ્ડ કપ જીતી બતાવ્યો હતો એ જ રીતે આ વખતે પણ એવી જ ટીમ બનાવીને વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા મોકલવી જોઈતી હતી.