સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકની માલિકી ધરાવતી કંપની મેટાને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના COO (Chief Operating Officer)શેરિલ સેન્ડબર્ગે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કંપનીએ પણ આ અંગે પુષ્ટી કરી છે. જ્યારે સેન્ડબર્ગે રાજીનામા વિશે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ આગળ જતા સમાજ માટે પરોપકારી કાર્યો કરવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છાઓ ધરાવે છે. સેન્ડબર્ગની ફેસબુક સાથેની સફર લગભગ 14 વર્ષ ચાલી. જો કે, અન્ય ફેસબુક પોસ્ટમાં, મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે, સેન્ડબર્ગ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપવાનું ચાલુ રાખશે. ત્યારે મેટાના નવા COO તરીકે શેરીલ સેન્ડબર્ગના સ્થાને જાવિઅર ઓલિવાનને લેવામાં આવશે.
14 વર્ષ સુધી કંપની સાથે રહ્યા
ફેસબુકને સ્ટાર્ટઅપથી અત્યાર સુધી લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શેરીલે 14 વર્ષ સુધી ફેસબુક સાથે કામ કર્યું. તેની લાંબી ઇનિંગ બાદ શેરીલે બુધવારે તેને આ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું, જીવનના નવા અધ્યાયનો સમય આવી ગયો છે.
શેરિલ 2008થી ફેસબુક સાથે જોડાયેલ હતી
શેરિલ વર્ષ 2008માં ફેસબુક સાથે જોડાઈ હતી. તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, સેન્ડબર્ગે FB ના ડિજિટલ એડ બિઝનેસને સારી રીતે સંભાળ્યો હતો. ફેસબુકને 100 બિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણથી જ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પછી કંપનીમાં તેમનો દબદબો રહ્યો હતો.