બનાસકાંઠા : એસડીએમના જાહેરનામાથી રેતીનો વ્યવસાય ઠપ્પ, હજારો ડમ્પરો – ટ્રકો ના પૈડા થંભી ગયા
- ડીસાના લીઝ ધારકોએ રસ્તા ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપ્યું
પાલનપુર 10 જુલાઈ 2024: ડીસા તાલુકામાં બનાસ નદી માંથી રેતી ભરીને નીકળતા ડમ્પરોને જાહેર રસ્તા પર નહીં ચલાવવાનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડ્યા હતા લીઝ ક્વોરી ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે અને હજારો ડમ્પરો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે. જેથી આ જાહેરનામું એક તરફી રીતે પાડવામાં આવ્યું હોવાનું જણાવી આ રસ્તા ચાલુ રાખવા લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસા એસ ડી એમ ને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડીસાની બનાસ નદી માંથી રેતી ભરીને નીકળતા વાહનો માટે ડીસા થી રાણપુર રોડ, ભડથ રોડ તેમજ જુનાડીસાથી સદરપુર રોડ પર રેતી ભરીને નીકળવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા જણાવ્યું છે કે, આ ત્રણેય રસ્તા પરથી રેતી ભરેલા વાહનો અવરજવર કરી શકશે નહીં તેમજ રેતી ભરેલા વાહનો નદીની અંદરથી ભેખડે ભેખડે ચલાવી બનાસ નદીના પુલ પાસે બહાર કાઢી નેશનલ હાઈવે પર થી જઈ શકશે.
તંત્ર દ્વારા પાડવામાં આવેલા આ જાહેરનામાંથી હાલમાં રેતી નો સમગ્ર વ્યવસાય ઠપ્પ થઈ જવા પામ્યો છે. કારણ કે તંત્ર દ્વારા નદીની અંદર ભેખડે ભેખડે રેતી ભરેલું કોઈ પણ વાહન ચલાવવું શક્ય નથી. આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર જ રેતીના વાહનોને મુખ્ય રસ્તા પરથી ચાલવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેનાથી લીઝ ધારકોમાં તેમજ ટ્રક માલિકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા મુખ્ય રસ્તા પરથી માત્ર રેતીના વાહનોને જ પ્રતિબંધ મુકાયો છે જ્યારે આ ત્રણેય રસ્તા પર 35 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દરરોજ બટાકા ભરેલી હેવી ટ્રકો બેફામપણે ચાલી રહી છે જેના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. આ ઉપરાંત પણ દૂધ, સિમેન્ટ, કપચી, લોખંડ તેમજ ખેત ઉત્પાદનો ભરેલા મોટા હેવી વાહનો આ રસ્તા પર બે રોકટોકપણે અવરજવર કરી રહ્યા છે. તેમ છતાં માત્ર રેતી ભરેલા વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકાતા આજે લીઝ ઓલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસાના નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ બાબતે લીઝ હોલ્ડરોએ જણાવ્યું કે,” માત્ર રેતી ભરેલા વાહનો પર પ્રતિબંધ મૂકી એક તરફી જાહેરનામું બહાર પડાયું છે જેના કારણે સમગ્ર રેતીનું વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે હજારો લોકોને રોજીરોટી પર અસર પડી રહી છે.”
આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુરમાં પડેલા ભૂવામાં થાર ઊંધા માથે,સદનસીબે જાનહાની ટળી