- સવારે 6 વાગ્યાથી દે ધનાધન શરૂ થયા બાદ સાંજ સુધીમાં પાણી પાણી કરી દીધું
- છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો
- બોટાદ અને ધંધુકામાં સાંબેલાનીધાર 3 – 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને આજથી આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગઈકાલે મોડી રાતથી અત્યાર સુધીમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી સોરઠ પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 2 કલાકમાં જ પોણા ચાર ઈંચ પાણી પડી ગયું હતું. ઉપરાંત ગઈકાલે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે આણંદ, ખેડા અને બોટાદમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા 11 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ જ્યારે 21 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ અને 66 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ખંભાતમાં 5 ઈંચ, અમદાવાદમાં 5 ઈંચ, નડિયાદમાં 4.5 ઈંચ, જલાલપોરમાં સવા 4 ઈંચ, મોડાસા અને સિહોરમાં 3.5 ઈંચ વરસાદ, આણંદમાં 3.5 ઈંચ, તારાપુરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ અને ધંધુકામાં સાંબેલાનીધાર 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જળાશયોમાં નવાનીર આવ્યા
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા હતા. ત્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 49 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49 ટકા જેટલો પાણીનો જથ્થો છે. આ સાથે જ રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર છે જેમા 90 ટકાથી વધુ તેમજ 13 જળાશયો એલર્ટ પર છે જેમા 80 ટકાથી વધુ તથા 12 જળાશયો વોર્નિગ પર છે જેમા 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 206 જળાશયોમાંથી 156 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.