શતાબ્દી મહોત્સવનો આજે ઉજવાયો ‘સમરસતા દિન’ : મોહન ભાગવત સહિત ધારાસભ્યો પણ રહ્યાં હાજર
અમદાવાદને આંગણે ઉજવાય રહેલ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો આજે સાતમો દિવસ હતો અને આ પાવન દિવસે આજે ‘સમરસતા દિન’ના ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ સમરસતા દિને ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા, કુબેર ડીંડોર, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, પ્રફુલ પાનસૂરિયા, કુંવરજીભાઇ બાવળિયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજ આટલા લોકો લે છે મુલાકાતઃ મેનેજમેન્ટ અભ્યાસનો વિષય
આજે ‘સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર વિશિષ્ટ પ્રવચન અપાયું
‘સમત્વમ્ યોગ ઉચ્યતે ’- ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત- અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા છે. ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં શ્રીમદ્ ભગવદ્ગીતા કથિત સમત્વ યોગ જેમણે સિદ્ધ કરી લીધો હતો એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ ભક્તિસંગીત દ્વારા વિશિષ્ટ અંજલિ પણ આપવામાં આવી હતી.
પ્રમુખસ્વામી મહારાજના સમતાથી યુક્ત જીવનકાર્યને પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ ‘સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ પ્રવચન દ્વારા ઉજાગર કર્યું હતું. આ ઉપરાંત ‘પછાતોના પ્રેમછત્ર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની સમત્વની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દર્શન કરાવવામાં આવ્યું.
આજના કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ મહાનુભાવોએ સમત્વના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન લીધા હતા. આજની કોન્ફરન્સમાં મહાનુભાવોએ કરેલા ઉદગારોના અંશો કંઈક આ મુજબ છે.
ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી : પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજએ કહ્યું હતુ કે, “ ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી, સમરસતા દિવસ પર સમાનતાની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો અને મહાનુભાવોએ કરેલી વાતો આપણે જીવનમાં ઉતારીશું તો સમાજમાં એકતાનું વાતાવરણ સ્થપાશે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, ‘ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી કારણકે સૌ માં એક જ ભગવાન બિરાજમાન છે’, ‘આપણે સૌ ભગવાનના બાળકો છીએ તો સમાજમાં કોઈ અસમાન નથી, આપણાં કર્મો જો સારા હોય તો આપણે સારા જ છીએ અને માનવીમાં સંસ્કાર હશે તો ભલે ઝૂંપડામાં રહેતો માનવી પણ વંદનીય છે. ભગવાનમાં પ્રેમ કરીશું તો આપણાં બધામાં પ્રેમ રહેશે અને જો ભગવાનમાં પ્રેમ નહિ હોય તો કોઈને પણ સાચો પ્રેમ કરી શકાશે નહિ.ભગવાનમાં જોડાવવાથી જ સમાજમાં સાચી સમાનતા આવશે. ”
સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય : મોહન ભાગવત
આર એસ એસનાં સર સંઘચાલક મોહન ભાગવતએ કહ્યું હતુ કે, “સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે અને પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપને ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે કારણકે તેમને નાત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.”
મોહન ભાગવતએ વધુમાં કહ્યું હતુ કે, “પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું અને મને એમને ૪-૫ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આજે તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાનાપણું જોવા મળે છે અને એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની દૃષ્ટિ હતી. “પ્રમુખસ્વામી મહારાજ મારા છે” એવું દરેક માણસ ને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પરિસ્થિતિમાં અચળ અને શાંત રહેતા હતા. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરનાર તમામને હું અભિનંદન આપું છું કારણકે પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના, જીવનકાર્ય અને સંદેશો એકદમ સરળ ભાષામાં અહી દર્શાવવામાં આવ્યા છે.”
આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે,”પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સાચો અર્થ આપણે પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શ મૂલ્યો જીવનમાં ઉતારીએ અને તેમને દર્શાવેલા પથ પર જીવન જીવવાની શરૂઆત કરીએ તે છે. પ્રમુખસ્વામી મહારાજ “નિષ્કામ કર્મયોગી” હતા એટલે જ તેમની બધી કામના પૂરી થતી હતી. પ્રમુખસ્વામી મહારાજે અનેક યુવાનોને નવજીવન આપ્યું છે અને તેમને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે અને આદર્શ સમાજનું નિર્માણ કર્યું છે.”
પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે : કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહજી રાજપૂત
ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહજી રાજપૂતે કહ્યું હતુ કે, “આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી. પ્રમુખસ્વામી મહારાજે એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ.માનવજીવન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે અને તેમનું દિવ્ય સાનિધ્ય મને ૩ વાર પ્રાપ્ત થયું છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર આગળ મને પ્રમુખસ્વામી મહારાજે મને ધબ્બો આપીને આશીર્વાદ આપેલા એ મને આજે પણ યાદ આવે છે અને તેમની દિવ્યતા મને આજે પણ અનુભવાય છે.”
BAPS સંસ્થા થકી ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધશે : હિમાંશુ પંડયા
ગુજરાત ગુજરાત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ હિમાંશુ પંડયાએ સ્વાગત પ્રવચન આપતા કહ્યું હતું કે ,“BAPS જેવી સંસ્થા સાથે જ્યારે આપણે સમાનતા આણવાના પ્રયાસમાં સહભાગી થઈશું ત્યારે આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ ધપી શકીશું.”
પ્રમુખસ્વામી મહારાજે દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું : મિલિન્દ કાંબલે
દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ મિલિન્દ કાંબલેએ કહ્યું હતું કે ,“ડૉ. આંબેડકરે સમાનતા માટે પ્રયત્નો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે પણ દલિત સમુદાયમાં વિચરણ કરીને સમાનતા માટે અને દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. સમાજના ”વંચિતોના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે BAPS જેવી સંસ્થા પાસે માર્ગદર્શનની આશા છે. સર્વસમાવેશક સમાજની રચના એ આપણું લક્ષ્ય છે.”
અહીં નાત જાતના કોઈ ભેદ નથી : આલોક કુમાર ચક્રવાલ
બિલાસપુરની ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલયનાં ઉપ કુલપતિ આલોક કુમાર ચક્રવાલએ કહ્યું હતું કે ,“સ્વામિનારાયણ સંપ્રદાય એ એક એવી સંસ્થા છે જે સામાજિક સંવાદિતા લાવી શકે કારણકે અહીં નાત જાતના કોઈ ભેદ વગર સર્વ પ્રત્યે સદ્ભાવથી વર્તન કરવામાં આવે છે.”
પ્રમુખસ્વામી મહારાજ જીવનનો સંદેશ : ભદ્રેશદાસ સ્વામી
BAPSનાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું હતું કે ,“ સનાતન હિન્દુ ધર્મનો સાર એ છે કે પ્રત્યેક વ્યક્તિ જ્ઞાન, મુક્તિ અને આનંદનો અધિકારી છે. આ જ પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જ જીવનનો સંદેશ પણ છે.”
સમાનતાના સંદેશને સમાજમાં વધુમાં વધુ પ્રસારિત કરવો જોઈએ : સંજીવ ડાંગી
ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ સંજીવ ડાંગીએ કહ્યું હતું કે , “જ્યારે પણ સમાનતાના ભાવનો લોપ થયો છે ત્યારે સમજે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સમાનતાના સંદેશને સમાજમાં વધુમાં વધુ પ્રસારિત કરવો જોઈએ.”
BAPS સંસ્થા સાચા અર્થમાં સમાનતા પ્રસ્થાપિત કરે છે : તરુણ વિજય
રાજ્યસભાના પૂર્વ સભ્ય તરુણ વિજયે કહ્યું હતું કે , “પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થા સાચા અર્થમાં સમાનતા પ્રસ્થાપિત કરી શકશે.”
સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય : આર . એસ . સરજુ
આદિવાસી એન્ડ ટ્રાન્સલેશન સ્ટડીઝના પ્રમુખ આર . એસ . સરજુએ કહ્યું હતું કે ,“સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય છે.”
પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સર્વેમાં આત્મગૌરવ સીંચવાનું કાર્ય કર્યું : કલ્પેશ ભટ્ટ
યુનિવર્સિટી ઓફ મેરી વોશિંગટનના પ્રોફેસર કલ્પેશ ભટ્ટે કહ્યું હતું કે , “ સામાજિક સમાનતા લાવવા માટે આંતરિક દુર્ગુણો જેવાં કે અહંકાર, ભેદભાવ વગેરેને નિર્મૂળ કરવા પડશે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સર્વેમાં આત્મગૌરવ સીંચવાનું કાર્ય કર્યું.”
સમગ્ર નગર એક અદભૂત આધ્યાત્મિક શક્તિનું સ્થાન : ગુરૂપ્રકાશ પાસવાન
પટના યુનિવર્સિટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ગુરૂપ્રકાશ પાસવાન કહ્યું હતું કે ,“ આ સમગ્ર નગર એક અદભૂત આધ્યાત્મિક શક્તિનું સ્થાન છે. એકદમ સાહજિક રીતે આ સમગ્ર નગર સર્જન પામ્યું છે.”
સંતોનો સમાજ ઉત્થાનમાં ખૂબ મોટો ફાળો : લેખક રમેશ ચંદેર
લેખક રમેશ ચંદેરએ કહ્યું હતું કે ,“ હું ધાર્મિક વ્યક્તિ નથી, હું ભગવાનમાં માનું છું, પણ જ્યારથી અહીં આવ્યો ત્યારથી મને ખરેખર પ્રતીતિ થઈ ગઈ છે કે ધર્મ અને સંતોનો સમાજ ઉત્થાનમાં ખૂબ મોટો ફાળો છે.”
હજારો સ્વયંસેવકો કોઈ અહંકાર વગર સેવા કરી રહ્યા છે : બીઝાય સોનકર શાસ્ત્રી
લોકસભાના પૂર્વ સભ્ય બીઝાય સોનકર શાસ્ત્રીએ કહ્યું હતું કે ,“મેં અહીં જોયું કે હજારો સ્વયંસેવકો કોઈ અહંકાર વગર સેવા કરી રહ્યા છે અને અન્ય વ્યક્તિમાં પરમાત્મા રહ્યા છે તેવી ભાવના સાથે સેવા કરી રહ્યા છે. ”
સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી : પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી
BAPSનાં પૂ. શ્રુતિપ્રકાશ સ્વામીએ કહ્યું હતુ કે, “અહીં નગરમાં જે યજ્ઞો થઈ રહ્યા છે તેમાં ચારેય વર્ણના લોકો ભાગ લઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સર્વને આત્મદૃષ્ટિ દૃઢ કરાવી અને સર્વેને બ્રહ્મવિદ્યાના અધિકારી છે.”
ખરા સામર્થ્યનો ઉદ્ભવ આધ્યાત્મિક જ્ઞાનમાંથી આવે છે : પૂજ્ય મંગલનિધિ સ્વામી
BAPSનાં પૂજ્ય મંગલનિધિ સ્વામીએ કહ્યું હતુ કે, “સર્વને દિવ્ય ગણવાની દૃષ્ટિ વર્ચસ્વ સ્થાપવાની હોડમાંથી ઉગારી લે છે. ખરા સામર્થ્યનો ઉદ્ભવ આધ્યાત્મિક જ્ઞાનમાંથી આવે છે, નહીં કે ભૌતિક સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી.”
જન્મશતાબ્દીએ યથાર્થ અંજલિ : કિશોર મકવાણા
લેખક અને પત્રકાર કિશોર મકવાણા હતુ કે, “પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મશતાબ્દીએ યથાર્થ અંજલિ એ જ છે કે તેમના સંવાદિતા ભર્યા વિશ્વના નિર્માણના સંકલ્પને આપણે સાકાર કરીએ.”
ઉપકાર કરવો એ પ્રમુખસ્વામી મહારાજનું જીવન : પૂજ્ય આદર્શજીવન સ્વામી
BAPSના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ કહ્યુ હતુ કે, “સ્વદુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે” એવું પ્રમુખસ્વામી મહારાજનું જીવન હતું. ”
આજે હું ખૂબ જ ભાગ્યશાળી : ડોક્ટર વિજય પાટીલે
ડી.વાય પાટિલ યુનિવર્સિટીનાં ડોક્ટર વિજય પાટીલે કહ્યું હતુ કે, “આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે આ મહાનુભાવો વચ્ચે મને બેસવાની તક મળી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને એ મનાય છે કે દિવ્ય શક્તિ વગર આ શક્ય નથી અને આ નગરને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી કારણકે આ દિવ્ય અજાયબી સમાન નગર છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને દિવ્યતા જ જોવા મળે છે અને આ સંસ્થાએ નિર્માણ કરેલા મંદિરો એ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.”
જન્મશતાબ્દી મહોત્સવમાં હાજર રહીને મારું મન નાચી રહ્યું છે : સમવેગભાઈ લાલભાઈ
અતુલ લિમિટેડનાં એક્સિકયુટીવ ડિરેક્ટર સમવેગભાઈ લાલભાઈએ કહ્યું હતુ કે, “પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં હાજર રહીને મારું મન નાચી રહ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતના સંસ્કારો, નીતિમત્તા, મૂલ્યો વગેરેનું દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ એટલે સમરસતા અને કરુણાની પાવનકારી ગંગા અને એ ગંગાની લહેરોનો લહાવો મને ૫ વખત માણવા મળ્યો છે. તેમના વાવેલા સંસ્કાર અને સંસ્કૃતિનાં બીજ આજે વિશાળ વૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં સમરસતા ફેલાવી રહ્યા છે. આ સમાજમાં હિતકારી તો ઘણા હોય પરંતુ પ્રમુખસ્વામી મહારાજ સદાય પરમ હિતકારી સંત હતા. મારા અહોભાગ્ય છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ અને આશીર્વાદ મને મળતા રહે છે.”
સમાજમાં સમરસતાનું વાતાવરણ જરૂર રચાશે : મિલિન્દ કાંબલે
દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ મિલિન્દ કાંબલેએ કહ્યું હતુ કે, “આજે મે અહીં આવીને પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજે કરેલા સમરસતાના કાર્યો વિશે જાણ્યું અને એમને દર્શાવેલા પથ પર ચાલીશું તો સમાજમાં સમરસતાનું વાતાવરણ જરૂર રચાશે. સંતો મહંતો સમાજને એક રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.”
શતાબ્દી મહોત્સવ ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો મહોત્સવ : પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્યનાં પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજએ કહ્યું હતુ કે, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સમગ્ર ભારત વર્ષ તેમજ વિશ્વભરના તમામ અનુયાયીઓ માટે ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો મહોત્સવ છે. મે ઘણા લોકોના સંદેશો વાચ્યા અને સાંભળ્યા છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નું જીવન જ તેમનો સંદેશ હતો અને તેઓ જે બોલ્યા છે તેવું જ જીવન જીવ્યા છે. વિશ્વમાંથી ભેદભાવની ભાવના દૂર કરવા માટે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ શબ્દમાં જ પ્રથમ અક્ષર પ્રેમ છે, બીજો અક્ષર મુક્તિ છે, ત્રીજો અક્ષર ખુમારી છે એવા ભવ્ય અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ હતા. વડોદરામાં સુરસાગર તળાવમાં ભગવાન શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે કહેલા શબ્દો મને હજુ યાદ છે, તેમને કહ્યું હતું મને કે,”તમારા જેવા યુવાનો ધર્મ સંસ્કારના કાર્યમાં જોડાશે તો આ દેશમાં સુવર્ણયુગ ફરીથી પાછો આવશે તેવું હું દૃઢપણે માનું છું.”
આજે મને ખૂબ જ આનંદ થાય છે : મહંત શંભુપ્રસાદજી મહારાજ ટુંડીયાજી
સવૈયાનાથ સમાધિ સ્થાનનાં મહંત શંભુપ્રસાદજી મહારાજ ટુંડીયાજીએ કહ્યું હતુ કે, “આજે મને ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે આજે સમરસતાનો કાર્યક્રમ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ઝાંઝરકા આવીને અમારો આશ્રમ પાવન કર્યો હતો તેના માટે હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું.”