અમદાવાદગુજરાત

સમરસ હોસ્ટેલ: વિદ્યાર્થીઓને પુરતી સુવિધા ન મળતાં કર્યો હોબાળો

Text To Speech

અમદાવાદ: GMDC ગ્રાઉન્ડની સામે આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ન્યાય આપોના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોબાળો કરવાનું મુખ્ય કારણ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પુરતી ન મળતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક સુવિધા પૂરી પાડવા સૂચના આપવામાં આવી હતી.

હોબાળો કરી હોસ્ટેલમાં રજૂઆત કરી:

ગુજરાત યુનિવર્સિટીની પાછળના ભાગમાં GMDC ગ્રાઉન્ડની સામે સરકારી સમરસ હોસ્ટેલ આવેલી છે. જેમાં બોયઝ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ રહે છે. આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જે જમવાનું આપવામાં આવે છે તે ગુણવત્તાયુક્ત હોતું નથી. આ સિવાય હોસ્ટેલના બાથરૂમમાં નળ તો છે પણ પાણી નથી. હોસ્ટેલના રૂમમાં પંખા ચાલતા નથી એટલે કે હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ એડમિશન રદ્દ થવાના ડરે ફરિયાદ કરી શકતા નથી, જેથી NSUI દ્વારા હોસ્ટેલમાં હોબાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ:

આ અંગે NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર જમવા વિશે, પીવાના પાણી વિશે અને વીજળીની ફરિયાદ કરવામાં આવે છે પરંતુ, તેનામાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. અહીંયા જે અધિકારી છે, તેમની જગ્યાએ બીજા અધિકારીને મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સગવડ મળી રહે. આ અંગે સમાજ કલ્યાણ અધિકારી કે. ટી વાઘેલાએ જણાવ્યું હતું કે, હું આવ્યો ત્યારથી વિદ્યાર્થીઓની સુવિધામાં સુધારો કરવામાં આવ્યો છે તેમછતાં વિદ્યાર્થીઓને જે સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત ડ્ર્ગ્સની બાબતમાં હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે : અમિત ચાવડા

Back to top button