ગુરુગ્રામઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ આજે સવારે 8.15 કલાકે તેમનું નિધન થયું છે. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. થોડાં દિવસ પહેલાં જ તેમની તબિયત વધુ બગડતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે મુલાયમ સિંહની હાલત 2 ઓક્ટોબરથી નાજુક હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, દવાની પણ અસર થતી નહોતી.
મુલાયમ સિંહ યાદવને યુરિન સંક્રમણ, બ્લડ પ્રેશરની સમસ્યા તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. જેને પગલે તેમને 2 ઓક્ટોબરનાં રોજ ગુરુગ્રામનની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત લથડતી જતી હતી.
મુલાયમસિંહના નિધન પર ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષામંત્રી સહિત રાજનાથસિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, અરવિંદ કેજરીવાલ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે
ઘણા દિવસોથી હતા વેન્ટિલેટર પર
મેદાંતામાં દાખલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહેલા ડો. યતિન મહેતાના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ 9 ઓક્ટોબરથી ગંભીર બની હતી. 2 ઓક્ટોબરથી જ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તેની સાથે-સાથે કિડની પણ કામ કરી રહી નહોતી. આ બધા કારણોના લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુલાયમસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે દેશમાં જ્યારે પણ મર્યાદિત અને સંસદીય પરંપરાવાળી રાજનીતિની ચર્ચા થશે, તો મુલાયમસિંહ યાદવજીનો ઉલ્લેખ જરુર થશે. તેમના જવાથી દેશની સમાજવાદી વિચારધારાની રાજનીતિ માટે મોટી ક્ષતિ છે. મારું સૌભાગ્ય છે કે તેઓ ગૃહમાં મારા સાથી સભ્ય રહ્યા અને તેમનો હંમેશા સહયોગ મળ્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું- મુલાયમસિંહ વિલક્ષણ વ્યક્તિત્વના ધની હતા
વડાપ્રધાન મોદીએ મુલાયમસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મુલાયમસિંહ એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમને એક વિનમ્ર અ જમીનથી જોડાયેલા નેતા તરીકે વ્યાપક રીતે વખાણવામાં આવ્યા, જેઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હતા. તેમને સાચી લાગણી સાથે લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ.લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9
— Narendra Modi (@narendramodi) October 10, 2022
વડાપ્રધાને વધુમાં લખ્યું કે, મુલાયમસિંહજીએ યુપી અ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. તેઓ કટોકટી સમયે લોકતંત્રના પ્રમુખ સૈનિક હતા.
નેતાજીને મળવા નેતાઓની લાઈન લાગી હતી
મુલાયમ સિંહ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદથી તેમને મળવા માટે નેતાઓની લાઈન લાગી હતી. રવિવારે નેતાજીની તબિયત જાણવા માટે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તો તે પહેલાં આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને ઉત્તર પ્રદેશ શ્રમ કલ્યાણ પરિષદના અધ્યક્ષા રાજ્યમંત્રી પંડિત સુનીલ ભારાલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ પણ તબિયત પૂછી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાતચીત કરીને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. વડાપ્રધાન મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું હતું કે તેઓ દરેક સંભવ મદદ અને સહાયતા માટે ઉપસ્થિત છે. તો રાજનાથ સિંહે મુલાયમ સિંહની યાદવની સ્વાસ્થ્ય જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939નાં રોજ ઈટાવા જિલ્લાના સૈફઇ ગામમાં થયો હતો. તેમના પિતા સુધર સિંહ યાદવ એક ખેડૂત હતા. મુલાયમ સિંહ હાલ મૈનપુરી સીટના લોકસભા સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની મુલાયમ સિંહ યાદવને મુખ્ય નેતાઓમાંથી એક ગણવામાં આવે છે. તેઓ ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યા. તેમજ કેન્દ્ર સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ પણ રહી ચુક્યા છે.
મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા
મુલાયમ સિંહ યાદવે બે લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની માલતી દેવીનું મૃત્યુ 2003માં થયું હતું. તેઓ અખિલેશ યાદવના મમ્મી હતા. મુલાયમે બીજા લગ્ન સાધના ગુપ્તા સાથે કર્યા હતા. મુલાયમ સિંહ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. હાલમાં જ સાધનાનું પણ નિધન થઈ ગયું હતું.
5 દશકાની રાજકીય કારકિર્દી
- 1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993 અને 1996- એમ 8 વખત ધારાસભ્ય રહ્યા
- 1977 ઉત્તરપ્રદેશ સરકારમાં સહકારી અને પશુપાલન મંત્રી રહ્યા. લોકદળ ઉત્તરપ્રદેશના અધ્યક્ષપદે પણ રહ્યા.
- 1980માં જનતા દળના પ્રદેશ અધ્યક્ષ બન્યા.
- 1982-85 સુધી વિધાનપરિષદના સભ્ય રહ્યા.
- 1985-87 સુધી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા.
- 1989થી 1991 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યા.
- 1992માં સમાજવાદી પાર્ટીનું ગઠન કર્યું.
- 1993-95 સુધી બીજી વખત ઉત્તરપ્રદેશના CM પદે રહ્યા
- 1996માં સાંસદ બન્યા
- 1996-98 સુધી કેન્દ્રીય રક્ષા મંત્રી પદે રહ્યા.
- 1998-99માં બીજી વખત સાંસદ બન્યા.
- 1999માં ત્રીજી વખત સાંસદ બનીને લોકસભા પહોંચ્યા અને ગૃહમાં સપાના નેતા બન્યા.
- ઓગસ્ટ 2003થી મે 2007 સુધી ઉત્તરપ્રદેશના CM રહ્યા. ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા.
- 2004માં ચોથી વખત લોકસભાના સાંસદ બનન્યા
- 2007-2009 સુધી UPમાં વિપક્ષના નેતા રહ્યા
- મે 2009માં પાંચમી વખત સાંસદ બન્યા
- 2014માં છઠ્ઠી વખત સાંસદ બન્યા
- 2019માં 7મી વખત સાંસદ બન્યા હતા.