સલમાન ખાનને ધમકી આપનાર જેલ હવાલેઃ જાણો- કોણે આપી હતી ધમકી?


બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનને ધમકી આપનાર શખ્સને જેલના સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી બોલીવુડ એક્ટરને ધમકી આપનાર શખ્સને ઝડપી લીધો છે. મહત્વનું છે કે, સલમાન ખાનને પત્ર મોકલી ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી અને મહારાષ્ટ્ર પોલીસે મહાકાલ નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસે આરોપીની આ મામલે વધુ પૂછપરછ હાથધરી છે. એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત છે.
ફિલ્મ લેખક સલીમ ખાન અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકીભર્યા પત્રો મળવા મામલે મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે દિલ્હી પહોંચી હતી. આ બાબતે ગેંગસ્ટર લોરેન્સની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં તેનો કોઈ હાથ છે કે નહીં અને જો છે તો જેલમાં બેઠા બેઠા લોરેન્સ બિશ્નોઈએ કોના દ્વારા અભિનેતાને આ ધમકીભર્યો પત્ર મોકલ્યો. મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદનો પણ નોંધ્યા છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ બાંદ્રામાં આવેલા સલમાન ખાનના નિવાસસ્થાને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પોલીસે સલમાનના બે બોડીગાર્ડ્સના નિવેદન પણ લીધા છે.
સલમાનને શું અપાઈ હતી ધમકી?
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “સલીમ ખાન, સલમાન ખાન જલ્દી જ તમારા મૂસેવાલા જેવા હાલ બનશે G.B, L.B…..” એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે G.B ગેંગસ્ટર બ્રાર અને L.Bનો મતલબ લોરેન્સ બિશ્નોઈ. જોકે પોલીસે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.