સાળંગપુર વિવાદ : સ્વામીનારાયણના મંદિરો બહાર પોલીસનો કાફલો ખડકાયો
સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રો વિવાદ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સાળંગપુર હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું છે. ત્યારે રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને આ વિવાદને લઇ અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બોટાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સાળંગપુર મદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
સાળંગપુરમાં ચાલી રહેલા ભીંતચિત્રોના વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 54 ફૂટની પ્રતિમાની નીચે મુકાયેલા ભીંત ચિત્રોને લઈ સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બે દિવસ પહેલા જ ભીંત ચિત્રોને લાલઘુમ થયેલા એક ભક્તે ભીત ચિત્રો ઉપર કાળો કલર લગાવી અને તોડફોડ કરી હતી. જે બાદ મંદિર વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને અને અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેમજ સાળંગપુર મદિરમાં ફરી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 2 એસ.આર.પી ની ટુકડી, 5 ડી.વાય.એસપી, 10 પી.આઈ, 8 પીએસઆઇ,275 પોલીસ અને 115 જી.આર.ડી. અને હોમગાર્ડને બે શિફ્ટમાં ગોઠવેલ છે. આ સાથે વ્રજ સહિત ના વાહનો પણ ગોઠવવામાં આવ્યાછે. અને જ્યાં સુધી આ વિવાદનું કોઈ નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ચોક્કસ અહીંયા પોલિસ બંદોબસ્ત રહેશે.
રાજ્યમાં સ્વામિનારાયણના મોટા મંદિરોમાં પોલીસ તૈનાત
મહત્વનું છે કે મુકાયેલા ભીંત ચિત્રોને લઈ સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ભીતચિત્રો હટાવવા મામલે અનેક ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવ છે. ત્યારે આ વધતા જતા વિવાદને લઈને રાજ્યમાં સ્વામિનારાયણના મોટા મંદિરોમાં પોલીસનો કાફલો ખડકી દેવામા આવ્યો છે. બોટાદમાં કષ્ટભંજન હનુમાન મંદિરની વણસેલી પરિસ્થિતીને પગલે લોકો ઉશ્કેરાઈ નહીં તે માટે શહેરના તમામ સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ સુરક્ષા ગોઠવી દેવામા આવી છે.
અમદાવાદના સ્વામિનારાયણ મંદિરો બહાર પણ પોલીસનો પહેરો
અમદાવાદની વાત કરવામા આવે તો અમદાવાદમાં કાલુપુર, શાહિબાગ, મણિનગર, સેટેલાઈટ ગુરુકુળ સહિત જ્યાં જ્યાં સ્વામિનારાયણના મોટા મંદિરો છે. ત્યાં અમદાવાદ શહેર પોલીસની ટીમને ફરજ પર રાખવામાં આવી છે. તેમજ જ્યાં સુધી આગામી સુચના ના મળે ત્યાં સુધી અમદાવાદ શહેર પોલીસ સ્વામિનારાયણ મંદિર બહાર પહેરો લગાવશે. લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તે માટે સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસને મુકવામાં આવી છે.
સંત સંમેલન દ્વારા મોટો નિર્ણય કરાયો
આ વિવાદને લઈને અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં સંતો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ બેઠકમાં ભારતી બાપુ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ, મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ