થાળીમાંથી સલાડ ગાયબ: મેકડોનાલ્ડે પણ બર્ગરમાં ટામેટા બંધ કર્યા
- મધ્યમ વર્ગના લોકોનું કિચન બજેટ અસ્તવ્યસ્ત થયું
- મેકડોનાલ્ડે ચિપકાવેલી નોટિસ થઇ વાયરલ
- કાકડીના પણ ભાવ વધતા સલાડ ફ્રીમાં મળતુ બંધ
મધ્યમ વર્ગના પરિવાર માટે મોંઘવારી મોટી મૂંઝવણ બની છે. ખાદ્યતેલ, કઠોળ સહિતની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. શાકના ભાવમાં મોટો વધારો થવા ઉપરાંત ટામેટાંના ભાવ પેટ્રોલ કરતાં પણ દોઢા થઇ ગયા છે. ટામેટાં રૂ. 120થી રૂ. 150 પ્રતિ કિલોના ભાવે થયા છે. જ્યારે કાકડીનો ભાવ પણ 100 રૂપિયે કિલો થયો છે. રસોઇની થાળીમાંથી સલાડ ગાયબ થઇ ગયું છે. જેથી ભોજનનો સ્વાદ બગડી રહ્યો છે. હોટલોમાં ફ્રીમાં આપવામાં આવતુ સલાડ હવે જોવા મળતુ નથી.
હોટલોમાં પણ ટામેટાં એક મુખ્ય શાકભાજી છે, જેનો ભારતીય રસોડામાં ઘણો ઉપયોગ થાય છે. ક્યારેક શાક તરીકે, ક્યારેક ચટણી તરીકે તો ક્યારેક સલાડ તરીકે ટામેટાં ખાવાની થાળીમાં મુખ્ય સ્થાને હોય છે, પરંતુ ભાવમાં થયેલા જોરદાર ઉછાળાથી તે સલાડમાંથી ગાયબ થયા છે. સાથે કોથમીર અને કાકડી પણ દેખાતા નથી.
અનેક શહેરોમાં ટામેટાનો ભાવ 100રૂ. ઉપર
ટામેટાંના ભાવમાં વધારાની પ્રક્રિયા ચાલુ છે. દેશનાં અનેક શહેરોમાં ટામેટાં 100 રૂપિયા કિલોથી ઉપર વેચાઈ રહ્યાં છે. એકધારો વરસાદ શરૂ રહ્યા બાદ શાકભાજીના ભાવમાં તોતિંગ ઊછાળો આવ્યો છે. ટામેટાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ આટલાં મોંઘાં ટામેટાં સલાડ કે દાળ શાકમાં સ્વાદ વધારવા માટે લઇ શકાય તેમ નથી, માટે હવે ઘરમાં તો ઠીક રેસ્ટોરાંમાં પણ જમવાની થાળી કે અન્ય ફૂડ ઓર્ડરમાં સાથે આપવામાં આવતું સલાડ ગાયબ થઇ ગયું છે. સાથે કાકડી પણ મોંધી થઇ હોવાથી સલાડ ફ્રીમાં કોઇ આપશે જ નહીં.
250 ગ્રામ ખરીદી લોકો સંતોષ માની રહ્યા છે
વાસ્તવમાં ટામેટાં એક એવું શાક છે, જે ખૂબ જ ઝડપથી બગડે છે. વરસાદને કારણે અત્યારે વાહનવ્યવહારને અસર થઈ છે. આગામી દિવસોમાં ટામેટાંના ભાવમાં ઘટાડો થશે. આ માટે ૧૦થી ૧૫ દિવસનો સમય લાગશે તેવું મનાય છે. જ્યાંથી ટામેટાં આવે છે ત્યાં ઘણો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પાક સડી ગયો છે. પહેલાં બિહારમાંથી ટામેટાં આવતાં હતાં જે સસ્તાં હતાં પરંતુ હવે બેંગલુરુથી ટામેટાં આવી રહ્યાં છે. જે લોકોને 1કિલોની જરૂર છે તે 250 ગ્રામ ટામેટાં ખરીદી સંતોષ માની રહ્યા છે.
મેકડોનાલ્ડના મેન્યુમાંથી ટામેટા ગાયબ થયા
મલ્ટીનેશનલ ફુડ ચેઇન મેકડોનાલ્ડની એક નોટિસ ખૂબ વાયરલ થઇ છે. નોટિસમાં રેસ્ટોરાંએ ગ્રાહકોને જણાવ્યુ છે કે તેમને સારી ક્વોલિટીના ટામેટા મળી રહ્યા નથી, જેના કારણે મેક્ડીની કેટલીક રેસ્ટોરાંએ ટામેટાવાળી પ્રોડક્ટ્સ અસ્થાઇ રીતે બંધ કરી દીધી છે.
આ પણ વાંચોઃ કમરની સાઇઝ ફટાફટ ઘટાડવા ઇચ્છો છો, તો કરો ફક્ત એક કામ