અમદાવાદની સાલ ડિપ્લોમાં કોલેજમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના ઘટી છે. વાત બિલકુલ સામાન્ય હતી. પરંતુ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મોનિકા સ્વામી એટલી હદે ત્રસ્ત થઈ ગયા કે, બે હાથ જોડી વિદ્યાર્થિની અને ABVPના વિદ્યાર્થી નેતાઓના પગે પડી ગયા.
સાંભળવામાં અજુગતુ ચોક્કસ લાગશે પણ કમનસીબે આ ઘટના સાચી છે.સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોલેજના આચાર્ય, સેક્શન ઓફિસર અને ફેકલ્ટી મેમ્બર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. આટલું ઓછું હોય તેમ કોલેજના પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કર્યા. ઘટના બાદ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો. બસ પછી તો બધી બાજુથી ABVP
અને તેના કાર્યકરો પર અનેક સવાલ ઉભા થવા લાગ્યા અને એ પછીના ગણતરીના કલાકોમાં ABVP દ્વારા તેઓના વિદ્યાર્થી નેતાઓથી ભૂલ થયાનો સ્વીકાર કરી લૂલો બચાવ કરવામાં આવ્યો અને પ્રિન્સિપાલ સહિતના લોકો સાથે ગેરવર્તણૂક બદલ ABVPએ વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દીધો.
કેમ પ્રિન્સિપાલ પડ્યા વિદ્યાર્થિનીના પગે ?
કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હાજરીનો મુદ્દો હતો. જેને લઈ આ સમગ્ર બબાલ થઈ. વિદ્યાર્થિનીની ગેરહાજરીને લઈ પ્રિન્સિપાલે કડક વલણ અપનાવતા, વિદ્યાર્થિની ABVPના વિદ્યાર્થી નેતાઓ સાથે સીધી પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી. ત્યારબાદ, શાંતિથી પોતાની વાત રજૂ કરવાને બદલે ABVPના વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલ સહિતના લોકોએ હોબાળો મચાવ્યો. થોડીવારમાં તો આ વાત એટલે સુધી પહોંચી ગઈ કે, પ્રિન્સિપાલ કંટાળી ગયા અને આ બાબતને અહીં જ શાંત કરવા માટે વિદ્યાર્થીઓને બે હાથ જોડી પગે લાગવા માંડ્યા.
ઘટના બાદ શું કહ્યું પ્રિન્સિપાલે ?
વીડિયો વાયરલ થયા બાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.મોનિકા સ્વામીએ જણાવ્યું કે, કોલેજમાં જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી. તે વિદ્યાર્થી અને તેમના વાલીઓને બોલાવાયા હતા. તે રીતે વિદ્યાર્થિનીને પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ, ABVPના વિદ્યાર્થી નેતાએ આવીને શાંતિથી વાત કરવાને બદલે ઉગ્ર રીતે રજૂઆત કરી. આ બાબતે સાલ કોલેજનું મેનજમેન્ટ નક્કી કરશે તે રીતે પગલા લેવામાં આવશે.