દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન
- આણંદ જિલ્લોઃ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લગતા વિવિધ આદેશ અને માર્ગદર્શન જારી
- “SAKSHAM” એપ્લિકેશન દ્વારા આણંદ જિલ્લાના દિવ્યાંગ મતદારોને મતદાર નોંધણી, મતદાન મથક શોધ, આગોતરા વ્હીલચેરના રજિસ્ટ્રેશન સહિતની સુવિધા મેળવી શકશે
- સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો એનાયત કરાયા
- જાગૃત નગરજનો હવે cVIGIL એપ દ્વારા પણ આચારસંહિતા ભંગની ઓનલાઈન ફરિયાદ કરી શકશે
- આણંદ જિલ્લામાં ૨૪ × ૭ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો, ચૂંટણીલક્ષી ફરિયાદ માટે ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ નંબર પર ફોન કરી શકાશે
આણંદ, બુધવાર, 20 માર્ચ: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આણંદ લોકસભા મતદાર વિભાગના તમામ દિવ્યાંગ મતદારો મતદાનના દિવસે તેમની મતદાનની પવિત્ર ફરજ નિભાવી શકે અને તેમને ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી સુવિધાઓ મળી રહે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ભારતનું ચૂંટણી પંચે દિવ્યાંગજનોને (PwDs) સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવી છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.
દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક અગત્યની મોબાઈલ એપ છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ અને સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે. “Saksham” એપ દિવ્યાંગોને મતદાન માટે નોંધણી કરાવવાનું, તેમનું મતદાન મથક શોધવાની સાથે તેમના મતદાનની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.
આ SAKSHAM APP ના માધ્યમથી દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે. આ એપ્લિકેશનમાં પ્રથમ વખત મતદાન કરનાર દિવ્યાંગ મતદારે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમનો EPIC નંબર એપ્લિકેશનમાં નોંધવાનો રહેશે.
આ SAKSHAM APP દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે અવાજની સહાય, સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને ટેક્સ્ટ-ટુ-સ્પીચની સુવિધા થકી મતદાન મથકોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે.
આ એપમાં મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓના સંપર્કની વિગતો આપવામાં આવે છે. સાથે જ એપ પર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે દિવ્યાંગોને જો કોઈ સમસ્યા થાય તો તે અંગે ફરિયાદ પણ નોંધાવી શકાય છે.
આણંદ જિલ્લાના દિવ્યાંગ મતદારો એન્ડ્રોઇડ ફોન-ધારકો પ્લે-સ્ટોરથી તથા આઇફોન ધારકો આઇ.ઓ.એસ. પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે.
- સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો એનાયત કરાયા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકો તથા ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગ માટે તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે એક્ષપેન્ડીચર મોનીટરીંગ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર, ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરી તેમાં ફરજો બજાવવા અધિકારી-કર્મચારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
ચૂંટણી સંચાલનની પ્રક્રિયામાં નિષ્પક્ષ અને ન્યાયી કામગીરી થાય તે હેતુથી ચૂંટણી ખર્ચ નિયંત્રણ અંગેની કામગીરી માટે નિમણૂક પામેલા અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની કલમ- ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો આપવા આવશ્યક હોઇ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરીએ ચૂંટણી ખર્ચ સબંધી કામગીરી પ્રક્રિયા માટે નિમાયેલ સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડના ટીમ લીડરોને ચૂંટણી ખર્ચ સબંધી તેમની ફરજના કાર્યક્ષેત્ર માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ફોજદારી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૨૧ નીચે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ હેઠળ સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુખ્યત્વે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંદર્ભે ચૂંટણીના સમયગાળા દરમ્યાન રોકડ રકમ, દારૂ કે અન્ય વાંધાજનક ચીજવસ્તુઓની આપ-લે ઉપર દેખરેખ રાખવા તથા ગુનાહિતતા માલુમ પડે તેવા કિસ્સામાં તે જપ્ત કરીફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.
- જાગૃત નગરજનો હવે cVIGIL એપ દ્વારા પણ આચારસંહિતા ભંગની ઓનલાઈન ફરિયાદ કરી શકશે
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આણંદ જિલ્લાના નાગરિકો પણ જિલ્લામાં આચારસંહિતાનો અસરકારક અમલ થાય તે માટે જાગૃત બની આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમણે ફરિયાદ માટે ક્યાંય જવાની જરૂર નથી. હવે તેઓ માત્ર એમની આંગળીના ટેરવે મોબાઈલના માધ્યમથી cVIGIL એપ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકે છે.
કલેક્ટર કચેરીના ત્રીજા માળ ખાતે કાર્યરત જિલ્લા કક્ષાના સેલમાં કાર્યરત ૩ ટીમ દ્વારા cVIGIL એપનું સતત ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાઉન્ડ ધ ક્લોક ૨૪ × ૭ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આજદિન સુધીમાં આ એપ ઉપર જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા કુલ ૦૯ જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જે તમામ ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.
આ cVIGIL એપ ની વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એપ play store ઉપરથી પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની હોય છે. ત્યારબાદ કોઈપણ નાગરિક ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોય તેનો લાઈવ ફોટો પાડીને તે સીધા એપ દ્વારા મોકલી શકે છે. આ ઉપરાંત આ એપ દ્વારા અરજદાર ઓડિયો અથવા વિડિયો રેકોર્ડિંગ પણ મોકલી શકે છે. અરજદાર દ્વારા મોકલવામાં આવેલ આ ફરિયાદ તરત જ જિલ્લા કક્ષાના સેલમાં ફરજ પરના કર્મચારીના કોમ્પ્યુટરમાં ડીસ્પ્લે થાય છે. આ ફરિયાદ ૧૦૦ મિનિટની અંદર નિકાલ કરવાનો હોય છે, જેથી ફરજ પરના કર્મચારી દ્વારા તાત્કાલિક આ ફરિયાદ સબંધિત એફ.એસ.ટી. ની ટીમને મોકલી આપવામાં આવે છે. એફ.એસ.ટી. ની ટીમ આ લાઈવ લોકેશનના આધારે તાત્કાલિક ત્યાં પહોંચે છે અને આચારસંહિતા ભંગનો મોકલેલ ફોટોગ્રાફ્સ અંગે જરૂરી તપાસ કરી તેનો નિકાલ કરી સબંધિત મત વિસ્તારના અધિકારીને જાણ કરે છે, તેને ધ્યાને લઈ અધિકારી આ ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરે છે.
આ એપ દ્વારા લાઈવ લોકેશન હોય તે જ મોકલી શકાય છે. એટલે કે જે તે વ્યક્તિ પાસે રહેલા જૂના કોઈ ફોટા મોકલી શકાતા નથી. જેથી ખરેખર આચારસંહિતા ભંગ થતો હોય તે સમયેનું લાઈવ ફોટો –વિડીયો કે ઓડીયો રેકોર્ડીંગ જ મોકલી શકાય છે.
હાલમાં ચૂંટણીને ધ્યાને લઈને સમગ્ર જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ એફ.એસ.ટી. ની ટીમ ૨૪ કલાક રાઉન્ડ ક્લોક કામ કરી રહી છે. જેથી cVIGIL એપ દ્વારા મળેલ ફરિયાદ તુરંત જ સબંધિત ટીમના કર્મચારીઓના મોબાઈલ ઉપર મોકલવામાં આવે છે સાથો સાથ તે ટીમને ફોન કરીને આ બાબતની જાણકારી પણ આપવામાં આવે છે. આમ એફ.એસ.ટી. ની ટીમ સમગ્ર જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત હોય કોઈપણ સ્થળેથી આ એપ ઉપર મળેલ ફરિયાદ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે અને અરજદારની ફરિયાદનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવે છે.
આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન હોય આણંદ જિલ્લાની જાહેર જનતાને આદર્શ આચારસંહિતા ભંગ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો આ cVIGIL એપ ઉપર કોઈપણ જાતની ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- આણંદ જિલ્લામાં ૨૪ × ૭ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો, ચૂંટણીલક્ષી ફરિયાદ માટે ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ નંબર પર ફોન કરી શકાશે
રાજ્યમાં તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેકટર કચેરી, ત્રીજા માળ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ કંટ્રોલ રૂમનનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૮ છે. આ ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી ગેરરીતીઓ અંગે, ચૂંટણી ખર્ચલક્ષી તથા આદર્શ આચાર સંહિતાના ભંગ સબંધિત ફરિયાદો નોંધાવી શકશે તથા ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકાશે.
આ ટોલ ફ્રી નંબરનો આણંદ જિલ્લાના નાગરિકોએ ચૂંટણીલક્ષી ફરિયાદ કરવા માટે ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે.
- આચારસંહિતાના અમલીકરણના ત્રણ દિવસમાં જ જિલ્લાની જાહેર અને ખાનગી મિલકતો પરથી ૫૭૯૮ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ
સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આણંદ જિલ્લામાં પણ આચારસહિતનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં આચારસંહિતાના અમલની સાથે જ જિલ્લાની જાહેર અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે તા. ૧૯ માર્ચ ૨૦૨૪ સુધીમાં આણંદ જિલ્લાના તાલુકાઓમાં કુલ મળીને ૫૭૯૮ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આચાર સંહિતાના અમલીકરણના ત્રણ દિવસ સુધીમાં જ જિલ્લામાં જાહેર મિલકતો પરથી ૯૩૦ પોસ્ટર, ૬૫૬ બેનર અને અન્ય ૭૨૦ પ્રચારાત્મક સામગ્રીઓ મળી કુલ ૧૭૪૭ પ્રચારાત્મક સામગ્રીઓ તથા ખાનગી મિલકતો પરથી ૩૫૨ પોસ્ટર, ૨૪૦ બેનર અને અન્ય ૨૪૯ મળી કુલ ૯૦૪ પ્રચારાત્મક લખાણો – રેખાંકનોને દૂર કરવામાં આવ્યા હોવાનું એમ.સી.સી. ના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી.દેસાઈની એક યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ ફ્લાઈંગ સ્ક્વોડ-સ્ટેટિક સર્વેલન્સ ટીમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રીયલ પાવર અપાયા