PM મોદી પર ટ્વીટ મામલો, TMC નેતા સાકેત ગોખલે 2 દિવસ રિમાન્ડ પર
પીએમ મોદીની મોરબી બ્રિજ તુટી જવા અંગેના ટ્વીટ મામલે TMC નેતા સાકેત ગોખલેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત પોલીસે જયપુરથી ગોખલેની ધરપકડ કર્યા બાદ અમદાવાદ મેટ્રો કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પોલીસે ગોખલેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 8મી ડિસેમ્બરે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાકેત ગોખલે પર PMની છબી ખરાબ કરવા માટે તેમની મોરબી મુલાકાત સંબંધિત ટ્વિટ કરવાનો આરોપ છે. તેમાં કરાયેલા દાવા તથ્ય પર આધારિત ન હતા.
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ પર પ્રહારો કરી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ગોખલેનો બચાવ કર્યો છે.
ગોખલે પર કોર્ટમાં હુમલો
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને RTI કાર્યકર્તા સાકેત ગોખલેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ કોર્ટમાં પહોંચતા જ સાકેત ગોખલેએ મીડિયાને કહ્યું હતું કે બ્રિજ તૂટી પડ્યા બાદ એક ટ્વીટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બ્રિજ તૂટી પડવાની ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીનો માલિક આઝાદ ફરે છે.
30મી ઓક્ટોબરે ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 135ના મોત થયા હતા. PM મોદી ગુજરાત આવ્યાના બે દિવસ બાદ મોરબી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ટ્વીટને નકલી હોવાનું જણાવ્યું
ગોખલેએ 1 ડિસેમ્બરના રોજ RTI દ્વારા ખુલાસો કર્યો હતો કે PMની મોરબીની મુલાકાત પર ખર્ચવામાં આવેલા રૂ. 30 કરોડની ન્યૂઝ પેપર ક્લિપિંગ્સ ટ્વીટ કરવામાં આવી હતી. સરકારની ફેક્ટ-ચેકિંગ સંસ્થા PIB દ્વારા તેને નકલી જાહેર કરવામાં આવી હતી. સાકેત ગોખલે પર આરોપ છે કે તેણે PMની છબી ખરાબ કરવાના હેતુથી મોરબીની ઘટના પર ભ્રામક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે પીએમની મુલાકાત પર 30 કરોડનો ખર્ચ થયો છે. સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે આ ટ્વિટ કર્યું હતું. મળતી માહિતી મુજબ ગોખલેના આ ટ્વિટ અંગે ભાજપ નેતા અમિત કોઠારીએ પોલીસને ફરિયાદ કરી હતી.