શીખ હત્યાકાંડના આરોપી કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા


નવી દિલ્હી : 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેઓ પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આજે કોર્ટે તેમને 1 નવેમ્બર 1984 ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે શીખ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની ક્રૂર હત્યાના કેસમાં સજા ફટકારી છે.
દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઑફ રેર કેટેગરીનો માનતા સજ્જન કુમાર સામે મૃત્યુદંડની માંગ કરી. જોકે, કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
સજ્જન કુમારે અપીલ કરી
ચુકાદા પહેલા સજ્જન કુમારે સજામાં ઉદારતા લાવવાની અપીલ કરી હતી. તેમણે પોતાની દલીલોમાં કહ્યું કે આ કેસમાં મને મૃત્યુદંડ આપવાનો કોઈ આધાર નથી. સજ્જન કુમારે કહ્યું, “હું 80 વર્ષનો છું. વધતી ઉંમરને કારણે હું ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છું. હું 2018 થી જેલમાં છું. ત્યારથી મને કોઈ ફર્લો/પેરોલ મળ્યો નથી.
તેમણે કહ્યું, “1984ના રમખાણો પછી હું કોઈ ગુનાહિત કેસમાં સંડોવાયેલો નથી. જેલમાં/ટ્રાયલ દરમિયાન મારું વર્તન હંમેશા સારું રહ્યું/મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી ન હતી. તેથી, મારા સુધારાની શક્યતા નકારી શકાય નહીં.
તેમણે કહ્યું કે તેઓ ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. હું સમાજ કલ્યાણ માટેના ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યો છું. હું હજુ પણ મારી જાતને નિર્દોષ માનું છું. આ કિસ્સામાં, કોર્ટે માનવીય પાસાને ધ્યાનમાં રાખીને તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ.
આ પણ વાંચો : શું ભારતમાં સૌને મળશે પેન્શન? બધાનું દૂર થશે ટેન્શન? જાણો શું વિચારી રહી છે સરકાર!