સૈફ અલી ખાનના 2012ના મારપીટવાળા કેસની થશે સુનાવણી, જાણો સમગ્ર મામલો
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અન્ય બે લોકોએ મુંબઈની એક હોટલમાં દક્ષિણ આફ્રિકાના વેપારી અને તેના સસરાને કથિત રીતે માર માર્યાના 11 વર્ષ પછી આવતા મહિને સુનાવણી શરૂ થવાની સંભાવના છે. એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 24 એપ્રિલે સૈફ અલી ખાન અને શકીલ લડાક, બિલાલ અમરોહી વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. કોર્ટે આ મામલામાં સાક્ષીઓના નિવેદન નોંધવા માટે સમન્સ પણ જારી કર્યા છે, જેનાથી સુનાવણીનો માર્ગ ખુલી ગયો છે. આ કિસ્સામાં, સુનાવણી 15 જૂનથી શરૂ થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો ?
તાજ હોટેલમાં વસાબી રેસ્ટોરન્ટમાં કથિત બોલાચાલી બાદ 22 ફેબ્રુઆરી, 2012ના રોજ બિઝનેસમેન ઈકબાલ મીર શર્માએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ઘટના સમયે સૈફ અલી ખાન સાથે તેની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન,તેની બહેન કરિશ્મા કપૂર, અભિનેત્રી મલાઈકા અરોરા ખાન, અમૃતા અરોરા અને અન્ય કેટલાક મિત્રો પણ હતા.
બંન્ને પક્ષોએ એકબીજા પર લગાવ્યા આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે બિઝનેસમેન ઈકબાલ મીર શર્માએ અભિનેતા અને તેના મિત્રોને જોરથી બોલવા પર વાંધો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સૈફ અલી ખાને કથિત રૂપે તેને ધમકી આપી હતી અને તેના નાક પર મુક્કો માર્યો હતો જેના કારણે તેને ‘ફ્રેક્ચર’ થયું હતું. એનઆરઆઈ બિઝનેસમેને સૈફ અને તેના મિત્રો પર તેના સસરા રમણ પટેલ પર પણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, સૈફ અલી ખાને જણાવ્યું હતું કે શર્માએ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી અને તેની સાથે રહેલી મહિલાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઝઘડો થયો હતો.
પોલીસે આ કેસમાં 21 ડિસેમ્બર 2012ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. સૈફ અલી ખાન અને તેના 2 મિત્રો પર ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને કલમ 34 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સલમાનની ભત્રીજી સાથેનો ક્યૂટ વીડિયો વાયરલ : આયતે ‘મામુ’ ના ડાન્સ મૂવ્સની કરી નકલ