સાહિત્ય પ્રેમી ચોર : ખબર પડી કે એક પ્રખ્યાત લેખકનું ઘર છે, તો માફી માંગી સામાન પરત મુક્યો..!
- મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનો બનાવ
- ઘર પ્રખ્યાત મરાઠી લેખક નારાયણ સુર્વેનું હતું
- રૂમમાં નારાયણ સુર્વેની તસવીર જોઈ અને ચોરને પસ્તાવો થયો
મુંબઈ, 16 જુલાઈ : મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ચોરે પહેલા એક ઘરમાંથી ચોરી કરી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ ઘર એક પ્રખ્યાત મરાઠી લેખકનું છે, તો ચોરને પસ્તાવો થયો જે બાદ તેણે માફી માંગી અને ચોરીનો સામાન પરત મૂકી દીધો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ચોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
મરાઠી લેખક નારાયણ સુર્વેનું હતું ઘર
પોલીસે જણાવ્યું કે રાયગઢ જિલ્લાના નરેલમાં સ્થિત એક ઘરમાંથી એક ચોર એલઈડી ટીવી અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી ગયો. આ ઘર પ્રખ્યાત મરાઠી લેખક નારાયણ સુર્વેનું હતું. 16 ઓગસ્ટ 2010ના રોજ 84 વર્ષની વયે સુર્વેનું અવસાન થયું હતું. સુર્વે એક પ્રખ્યાત લેખકની સાથે સાથે સામાજિક કાર્યકર પણ હતા. મુંબઈમાં જન્મેલા સુર્વેની કવિતાઓ શહેરી મજૂર વર્ગના સંઘર્ષને આબેહૂબ રીતે દર્શાવે છે. પોલીસે જણાવ્યું કે હવે તેની પુત્રી સુજાતા અને તેના પતિ ગણેશ ખરે રાયગઢમાં સુર્વેના ઘરમાં રહે છે.
આ પણ વાંચો : દેશમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 61.9 લાખથી વધુ વાહનોનું વેચાણ, શોરૂમ મુલાકાતીઓમાં ઘટાડો..!
ચોરને પસ્તાવો થયો અને સામાન પાછો મુક્યો
ઘર બંધ હોવાનો લાભ લઈને ચોર ઘરમાંથી એલઈડી ટીવી અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી ગયો હતો. બીજા દિવસે ચોર થોડી વધુ વસ્તુઓ લેવા પાછો આવ્યો અને તેણે એક રૂમમાં નારાયણ સુર્વેની તસવીર જોઈ, તો ચોરને ખબર પડી કે તેણે જે ઘરમાં ચોરી કરી છે તે નારાયણ સુર્વેનું છે. ચોર શિક્ષિત હોવો જોઈએ અને કદાચ નારાયણ સુર્વેનો પ્રશંસક હોવો જોઈએ, જેના કારણે તેને સુર્વેના ઘરમાં થયેલી ચોરીનો અફસોસ થયો. આ પછી, ચોર ચોરીની બધી વસ્તુઓ ઘરે પાછો લાવ્યો અને એક ચિઠ્ઠી પણ ચોંટાડી જેમાં ચોરે મહાન સાહિત્યકારના ઘરમાંથી ચોરી કરવા બદલ માફી માંગી.
પોલીસ તપાસમાં જોડાઈ
રવિવારે જ્યારે સુર્વેની પુત્રી સુજાતા તેના પતિ સાથે રાયગઢ પરત આવી ત્યારે તેણે ઘરની અંદર નોટ ફસાયેલી જોઈ અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને LED અને અન્ય વસ્તુઓમાંથી ફિંગરપ્રિન્ટ્સ એકત્ર કર્યા હતા. આ ફિંગર પ્રિન્ટના આધારે ચોરને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PM મોદી ત્રણ વર્ષ પછી ફરી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરી શકે છે સંબોધિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ