માનવ જીવન સુરક્ષા આપણી સૌથી પહેલી પ્રાથમિકતા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

- રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે રૂ. ૨૧૧૧ કરોડના ચેક અર્પણ
- વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે સાથે બેસીને મોનિટરીંગ થાયઃ મુખ્યમંત્રી
- વિકાસનાં અનેક સારા કામો થાય છે આમ છતાં ક્યાંક કોઈ કચાશ રહી જાય છે તે સ્થિતિનું નિવારણ જરૂરીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર, 13 જૂનઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવજીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવા સ્પષ્ટ તાકીદ કરી છે. માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસની આપણી તેજ રફ્તારમાં વિકાસ જેના માટે છે એ માનવીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. મુખ્યમંત્રીગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ ૨૧૧૧ કરોડ રૂપિયાના ચેક વિતરણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
૮ મહાનગરપાલિકાઓને રૂ. ૧૭૨૯ કરોડની ફાળવણી
• ‘અ’ વર્ગ – ૨૨ નગરપાલિકાઓને રૂ. ૮૮ કરોડ
• ‘બ’ વર્ગ – ૩૦ નગરપાલિકાઓને રૂ. ૯૦ કરોડ
• ‘ક’ વર્ગ – ૬૦ નગરપાલિકાઓને રૂ. ૧૩૫ કરોડ
• ‘ડ’ વર્ગ – ૪૫ નગરપાલિકાઓને રૂ. ૬૯ કરોડ
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વિકાસના અનેક સારા કામો થયા છે. આમ છતાં, ક્યાંક કોઈ કચાશ કે ઢીલાશ રહી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે પદાધિકારીઓ-અધિકારીઓને આહવાન કરતાં તેમણે કહ્યું કે, વિકાસ કામોની ગુણવત્તા-ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ સાથે બેસીને થાય તે જરૂરી છે. એટલું જ નહીં, પ્રજાજનોની નાની-નાની ફરિયાદો પર પણ ધ્યાન આપીને તેનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય તે જ વિકાસની સાચી દિશા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાસનમાં રહી જ નથી તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ સારાં કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે.

મુખ્યમંત્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપતા ઉમેર્યું કે, વડાપ્રધાનએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઇફના આપેલા વિચારને સાકાર કરવા માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ નગરોમાં કરવું જરૂરી છે. તેમણે પર્યાવરણ અનુકૂલન વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ દ્વારા ગુજરાતને વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસર રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતને દેશનું સૌથી અર્બનાઇઝ્ડ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, દેશમાં વધી રહેલા શહેરીકરણને ધ્યાને લઇને ગુજરાતના શહેરોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા ૨૦૦૯-૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના શહેરોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૩૮,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં ગુજરાતના વિકસિત શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના વિવિધ શહેરોમાં આગવી ઓળખના વિવિધ કામો માટે રૂ. ૨૫,૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે પૈકીના ૯૦ ટકા કામો પૂર્ણ થયા છે. જ્યારે, રોડ રિસર્ફેસિંગના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કામોના ૯૫ ટકા કામો પૂર્ણ થયા છે.
તેમણે કહ્યું કે, શહેરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના ૭૬ ટકા કામો પૂર્ણ થયા છે. અમૃત યોજના અંતર્ગત રૂ. ૫૧૬૭ કરોડના ૪૫૨ કામો પૈકી ૯૦ ટકા કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના ૬ શહેરોના વિકાસ માટે રૂ. ૧૧,૬૫૦ કરોડના ૩૫૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે ૯૦ ટકા પૂર્ણ થયા છે. ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ૮.૫૭ લાખ આવાસોના કામ પૂર્ણ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, ગુજરાતને આ માટે રાષ્ટ્રીય કક્ષાના વિવિધ ૬ એવોર્ડ પણ મળ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ વેસ્ટ પાણીને રિસાઈકલ કરી, રાજ્ય સરકાર વાર્ષિક રૂ. ૧,૦૦૦ કરોડની આવક મેળવી રહી છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની અંદાજે ૫૦ ટકા જેટલી વસ્તી જ્યારે શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે નાગરિકોને પાયાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસ કાર્યો માટે છેલ્લા એક વર્ષમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ.૫,૭૦૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
૨૦ વર્ષ અગાઉ શહેરોના વિકાસ માટે લગભગ રૂ.૨૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું જ્યારે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરોના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ.૨૧,૬૫૪ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, શહેરી વિકાસ વિભાગના બજેટમાં ૧૦૦ ટકા જેટલો વધારો કર્યો છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહ દરમિયાન શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સી.ઇ.ઓ બી. બી. વહોનીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદ સભ્યો, ધારાસભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા સહિત રાજ્યની વિવિધ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નગરપાલિકાના પ્રમુખો, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, હાઉસિંગ બોર્ડના સચિવ આર. જી. ગોહિલ, મ્યુનિસિપલ કમિશનરો, ચીફ ઓફિસરો સહિત પદાધિકારી- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Rajkot અગ્નિકાંડ: SITના રિપોર્ટની રાહ જોયા વિના જવાબદારો સામે પગલાં લેવા HCનો રાજ્ય સરકારને નિર્દેશ