વિશેષસ્પોર્ટસ

‘જ્યારથી મહિલાઓએ નોકરી કરવાનું શરુ કર્યું છે…’: પૂર્વ પાકિસ્તાની ખેલાડી વિવાદમાં

17 મે, અમદાવાદ: પૂર્વ પાકિસ્તાની ખેલાડી સઈદ અનવરનો એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ વિડીયોમાં સઈદ અનવર કહે છે કે જ્યારથી પાકિસ્તાનમાં મહિલાઓએ નોકરી કરવાનું શરુ થયું છે દેશમાં તકલીફ ઉભી થવા લાગી છે.

સઈદ અનવરની આ વિવાદિત ટીપ્પણીએ પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો છે. જો કે પાકિસ્તાન પોતે એક રૂઢીચુસ્ત દેશ તરીકે ઓળખાય છે.

આ વિવાદસ્પદ વિડીયોમાં પૂર્વ પાકિસ્તાની ખેલાડી અનવર યુરોપ અને અમેરિકાની વાત કરી રહ્યો છે જ્યાં તેના માનવા પ્રમાણે લોકો ડ્રગ્સ અને ડિપ્રેશનમાં સરી રહ્યા છે. તે કહે છે કે, ‘અહીંની હાલત એટલી બધી ખરાબ છે કે લોકોએ પોતાના ઘરની સ્ત્રીઓને કમાવા માટે બહાર મોકલવી પડે છે.’

સઈદ અનવરના માનવા અનુસાર સ્ત્રીઓને નોકરી પર મોકલવા માટે મજબૂર કરવી તે ‘આપણા સમાજને ખતમ કરવાની કોઈ રમત છે’. પોતાના આ નિવેદનમાં સઈદ અનવરે પૂર્વ ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમ્સનને પણ ઘસેડ્યો હતો. તેનો દાવો હતો કે વિલિયમ્સને તેની સલાહ માંગી હતી કે અહિંના સમાજને કેવી રીતે સુધારી શકાય?

અનવરે તો એવો દાવો પણ કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના એક મેયરે તેને કહ્યું હતું કે જ્યારથી દેશની મહિલાઓ કામે જવા લાગી છે ત્યારથી તેમની સંસ્કૃતિ બરબાદ થઇ ગઈ છે.

ત્યારબાદ સઈદ અનવરે પાકિસ્તાનની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં છૂટાછેડાનો દર 30 ટકા જેટલો ઉંચો ગયો છે અને આ પાછળ કારણ એક જ છે કે તેના દેશની મહિલાઓ નોકરી કરવા લાગી છે. તેનું કહેવું છે કે નાણાંકીય રીતે સ્વતંત્ર મહિલાઓ પોતાના પતિ સામે પોતાની કમાણી અંગે અભિમાન કરવા લાગી છે કારણકે તેને એવું લાગે છે કે તે જ તેનું ઘર ચલાવી રહી છે. ત્યારબાદ અનવરે એવી શંકા વ્યક્ત કરી હતી કે સમાજને ભાંગી નાખવા માટે આ કોઈ મોટી યોજનાનો ભાગ છે કે મહિલાઓને કામ કરવા બહાર જાય તે માટે લોકોને મજબૂર કરવા પડે.

જો કે સઈદ અનવરના આ નિવેદનનો પાકિસ્તાનમાંથી જ વિરોધ થવા લાગ્યો છે. પાકિસ્તાનના ઘણા પત્રકારો તેમજ સમાજસેવીઓએ અનવરના આ નિવેદનની આકરી ભાષામાં ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે મહિલાઓ નોકરી કરવા ઘરની બહાર નીકળે એ કોઈ કાવતરું નથી પરંતુ તેમનું સશક્તિકરણ છે.

Back to top button