દુઃખદ સમાચારઃ સતત બીજા દિવસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 2ના મૃત્યુ
અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આજે સતત બીજા દિવસે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા જે બાદ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.
દર વર્ષે નવરાત્રી પહેલા અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને લાખોની સંખ્યામાં સેંકડો કિમી ચાલીને ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે ત્યારે સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 2 પદયાત્રીના મૃત્યુ નીપજ્યાં છે.
થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં રાયસંગભાઈ પટેલ અને લગધીરજી ઠાકોર નામના બે વ્યક્તિઓનું મૃત્યુ નીપજ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓના ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું.