ટ્રેન્ડિંગનેશનલ

સચિન તેંડુલકરની સુરક્ષા કાફલાના જવાને કર્યો આપઘાત, કારણ જાણવા તપાસ ચાલુ

Text To Speech

મુંબઈ, 15 મેઃ ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા કાફલામાં તહેનાત SRPFના એક જવાને ગઈકાલે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે. અહેવાલ અનુસાર ગઈકાલે રાત્રે એટલે કે 14મી મેના રોજ પોતાના વતન ગામમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાના પૈતૃક ઘરમાં પોતાને ગોળી મારી હોવાનું કહેવાય છે. મૃતકની ઓળખ પ્રકાશ કાપડે તરીકે થઈ હતી જેણે પોતાની સર્વિસ ગન વડે પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

અહેવાલો અનુસાર પ્રકાશ કાપડે નામનો જવાન રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) નો સભ્ય હતો. તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા માટેના કાફલામાં તહેનાત હતો. પ્રકાશ વેકેશનમાં તેના પૈતૃક ઘરે ગયો હતો. તેણે મંગળવારે મોડી રાત્રે એટલે કે 14મી મેના રોજ જામનેર શહેરમાં પોતાના પૈતૃક ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકે આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એફઆઈઆરની તપાસમાં એવું લાગે છે કે કાપડેએ કેટલાક અંગત કારણોસર પોતાને ગોળી મારી હતી. અમે હજુ પણ સંપૂર્ણ તપાસની રાહ જોઈ રહ્યા છીએ. પોલીસે વધુમાં જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનેર પોલીસે કેસ નોંધ્યો છે અને તેની સાથે મૃતકના પરિવારજનો, તેના સાથીદારો અને અન્ય પરિચિતોની પૂછપરછ ચાલી રહી છે.

મળતી જાણકારી  મુજબ, મૃતક પ્રકાશ કાપડે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બોડીગાર્ડ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કેટલાક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલાની સ્વતંત્ર રીતે તપાસ થઈ શકે છે કારણ કે તે VVIP સુરક્ષા હેઠળ હતા. મૃતક પ્રકાશ કાપડેના પરિવારમાં તેના વૃદ્ધ માતા-પિતા, પત્ની, બે નાના બાળકો, એક ભાઈ અને કેટલાક અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોની હત્યાનો પ્રયાસ, હાલત ગંભીર

Back to top button