વિશેષસ્પોર્ટસ

પેરા એથલેટીક્સમાં ભારતનો દબદબો કાયમ; સચિન સર્જેરાવે જીત્યો ગોલ્ડ

Text To Speech

22 મે, કોબે (જાપાન): અહીં રમવામાં આવી રહેલી વર્લ્ડ પેરા એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો કાયમ રહ્યો છે. ભારતે આજે પણ એક ગોલ્ડ જીત્યો છે અને આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં જીતેલા મેડલ્સની સંખ્યામાં સહુથી વધુ મેડલ્સ જીતવાનો રેકોર્ડ પણ બનાવી લીધો છે. આ વખતે ગોળાફેંકમાં ભારતના સચિન સર્જેરાવે ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

સચિન સર્જેરાવે ગોળાફેંકની F46 કેટેગરીમાં એશિયન રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. પેરા એથલેટીક્સની આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભારતે અત્યારસુધી 11 મેડલ્સ જીત્યા છે. આ મેડલ્સમાંથી 5 ગોલ્ડ છે. ગયા વર્ષે પેરીસમાં આયોજિત આ જ ટુર્નામેન્ટમાં ભારતે 10 મેડલ્સ જીત્યા હતા જેમાંથી 3 ગોલ્ડ અને 4 સિલ્વર તેમજ 3 બ્રોન્ઝ હતા.

સચિને પોતાનો ગોળો 16.30 મીટર સુધી ફેંક્યો હતો અને આ રીતે તેણે એશિયન રેકોર્ડ તોડી નાખ્યો હતો. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે એ એશિયન રેકોર્ડ જે 16.21 મીટરનો હતો તે ગયા વર્ષે વર્લ્ડ પેરા એથલેટીક્સ ચેમ્પિયનશીપ પેરીસ ખાતે સચિને જ બનાવ્યો હતો.

ગઈકાલે રમતના અંત સુધી ભારતે 10 મેડલ્સ જીતી લીધા હતા. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે. જો મેડલ્સની યાદીની વાત કરીએ તો પ્રથમ નંબરે ચીન છે અને ત્યારબાદ બ્રાઝિલ બીજું સ્થાન ધરાવી રહ્યું છે.

સચિન સર્જેરાવ જેણે ચીનના હેન્ગઝુમાં આયોજિત એશિયન પારા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેણે પહેલાં જ પોતે આ ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી દીધો હતો. ન્યૂઝ સંસ્થા PTIને આપેલી એક ખાસ મુલાકાતમાં ભારતના પેરા શોટ પટ ચેમ્પિયન સચિને કહ્યું હતું કે, ‘મને અહીં ગોલ્ડ જીતવાનો વિશ્વાસ હતો અને હવે જ્યારે મેં તેને જીતી લીધો છે ત્યારે મને તેનો આનંદ છે. આ ગોલ્ડ સાથે મેં પેરીસ પેરા ઓલિમ્પિક્સમાં પણ ક્વોલીફાય કરી લીધું છે.’

ટીમ ઇન્ડિયાના હેડ કોચ સત્યનારાયણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હજી આ ટુર્નામેન્ટને પૂર્ણ થવામાં ત્રણ દિવસ બાકી છે અને આવામાં ભારત પોતાની મેડલની યાદીમાં હજી બીજા મેડલ્સ ઉમેરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આવનારા ત્રણ દિવસમાં અમે બીજા બે ગોલ્ડ જીતવાની આશા રાખી રહ્યા છે અને ટુર્નામેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અમે કુલ 17 મેડલ્સ જીતીશું તેવી અમને આશા છે.

Back to top button